પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપવા માગઃ કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને પક્ષનું સુકાન સોંપવાની માગ વધુ ઉગ્ર બની રહી છે. હવે કાર્યકર્તાઓ પણ વિનંતી કરવા લાગ્યા છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહનો મુકાબલો કરવા પ્રિયંકા ગાંધીને જ નેતૃત્વ સોંપવું જોઇએ. આ વિનંતી બીજા કોઇને નહીં પણ રાહુલ ગાંધીને જ કાર્યકર્તાઓએ કરી હતી, જેને પગલે રાહુલ ગાંધી આશ્ચર્યમાં મુકાયા હતા. રાયબરેલીમાં જ્યારે રાહુલ ગાંધી એક મુલાકાત માટે પહોંચ્યા ત્યારે તેમને આ સ્થિતિનો સામનો કરવો પડયો હતો. અહીં કાર્યકર્તાઓએ તેમને ઘેરીને કહ્યું કે ‘રાહુલ ભૈયા, અમિત શાહનો જવાબ માત્ર પ્રિયંકા ગાંધી જ છે બીજું કોઇ નહીં’, તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવો. લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસીઓ ઉગ્ર રીતે પ્રિયંકાને જ નેતાગીરી સોંપવાની માગ કરી રહ્યા છે.
શરદ પવારને પગમાં ફ્રેક્ચરઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને ૩ ડિસેમ્બરે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને લપસીને પડી જવાથી પગમાં ઈજા પહોંચી હતી. પવારના જમણા પગના સાથળને ફ્રેક્ચર થયું હોવાની માહિતી ડોક્ટરોએ આપ્યા પછી તેમને તાત્કાલિક દિલ્હીથી વધુ સઘન સારવાર માટે મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. પવારની તબિયત સ્થિર છે.