નવી દિલ્હીઃ વિદેશથી કાળા નાણાને ભારતમાં પરત લાવવાના મોદી સરકારના પ્રયાસને સફળતા મળી છે. સ્વિસ બેન્કોમાં ગુપ્ત ખાતાઓ રાખનાર ભારતીયોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પાંચ ભારતીયોમાં ઉદ્યોગપતિ યશ બિરલા તેમ જ સિટી લિમોઝીન્સ કૌભાંડમાં સંડોવાયેલા બે ભારતીયોનાં નામ પણ છે. સ્વિસ સરકાર દ્વારા તેનાં સત્તાવાર ગેઝેટમાં જાહેર કરાયેલા ભારતીયોમાં મૃત રિયલ્ટી માંધાતા પોન્ટી ચઢ્ઢાના જમાઈ ગુરજિત સિંહ અને દિલ્હીનાં બ્લેસિંગ્સ એપેરલ્સનાં મહિલા બિઝનેસવુમન રિતિકા શર્માનું નામ પણ છે. ભારતે સ્વિસબેન્કનાં ખાતાધારકોનાં નામ માગ્યા હતા. આ પછી સ્વિસ ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા પાંચ ભારતીયોનાં નામ ત્યાંનાં ગેઝેટમાં પ્રસિધ્ધ કરાયા હતા. સ્નેહલતા સાહની તેમ જ સંગીતા સાહનીનાં નામ પણ ગેઝેટમાં પ્રકાશિત કરાયા છે. આ તમામ ખાતેદારો જો ભારતીય સત્તાવાળાઓને તેમની વિગતો આપવા ન ઇચ્છતા હોય તો તેમણે ૩૦ દિવસમાં ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ કોર્ટને અરજી કરવાની રહેશે.
ભારતનું આવકવેરા ખાતું આ પાંચેય સ્વિસ ખાતાધારકો સામે તપાસ કરશે. મુંબઈમાં પોન્ઝી સ્કીમ ચલાવનારા સૈયદ મોહમદ મસૂદ કે જેમણે સિટી લિમોઝીન્સ કૌભાંડ આચર્યું હતું તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રજુઆત કરાયા પછી થોડા વર્ષો પહેલા તેમનું સ્વિસ ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જો કે ભારત દ્વારા આ પછી ચૌડ કૌસર મોહમદ મસૂદની વિગતો પણ માગવામાં આવી હતી.
સ્વિસ સરકાર દ્વારા કેટલાક અમેરિકન તેમ જ ઈઝારાયેલી નાગરિકોનાં નામ જાહેર કરાયા છે. તેમનાં આખા નામ જાહેર કરાયા નથી પણ તેમની અટક અને જન્મ તારીખને ધ્યાનમાં લઈને તેમની ઓળખ કરાઈ રહી છે. બ્રિટિશ, સ્પેનિશ અને રશિયન ખાતેદારોનાં નામ પણ આવી જ રીતે જાહેર કરાયા છે.