વારાણસીઃ વિશ્વના પ્રાચીનતમ નગર વારાણસીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગંગા મૈયાને મુઝે બુલાયા હૈ...’ એમ કહીને પોતાને ગંગાપુત્ર ગણાવ્યા હતા. નેતાઓ ભલે ચૂંટણી જીત્યા બાદ પોતાના શબ્દોને ભૂલી જતા હોય, પણ આ નરેન્દ્ર મોદી છે. તેમણે ખરા અર્થમાં કાશી-બનારસનો જ નહીં, ગંગામૈયાનો કાયાકલ્પ કરવા કમર કસી છે. આ વાતની ઝલક સોમવારે દેવદિવાળી પર્વે જોવા મળી હતી. ગંગામૈયાનો વિશાળ કિનારો લાખો દિવડાઓ અને લેસર શોની રોશનીથી ઝળહળી ઉઠ્યો ત્યારે અલભ્ય નજારો સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાને સોમવારે વારાણસીની મુલાકાત દરમિયાન પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ કર્યું હતું. ત્યાથી તેઓ રાજઘાટ ગયા જ્યાં તેમણે દેવ દિવાળી નિમિત્તે દીપ પ્રાગટય કરીને ઉજવણીની શરૂઆત કરાવી હતી. ત્યાંથી સારનાથની મુલાકાતે પહોંચ્યા હતા.
વડા પ્રધાન મોદીની મુલાકાત સમયે ગંગા નદી અને વારાણસીનો જે નજારો જોવા મળ્યો હતો તે અદભૂત હતો. ગંગા નદીમાં ઠલવાતા ઔદ્યોગિક પ્રદૂષણને ઘણા અંશે નિયંત્રિત કરવામાં આવ્યું છે. તો મંદિરોની નગરી વારાણસીમાં સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સાંકડી ગલીઓના સ્થાને જોરશોરથી વિશાળ માર્ગોનું નિર્માણ ચાલે છે.
દેવ દિવાળી પર્વે વડા પ્રધાને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ગંગાના સ્વચ્છ જળમાં ક્રૂઝ સવારીની મજા માણવાની સાથે જ કિનારાના વિસ્તારોમાં ચાલી રહેલા શ્રેણીબદ્ધ વિકાસકાર્યોની જાણકારી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમની મુલાકાત દરમિયાન કિનારાના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે ‘દેવ દિપાવલી ૨૦૨૦’ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા. બાદમાં તેમણે સંબોધન પણ કર્યું હતું, જેમાં તેમણે કિસાન આંદોલનનો મુદ્દો પણ આવરી લીધો હતો.
તેમણે જણાવ્યું કે, કૃષિ કાયદા અંગે વિપક્ષો દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ભ્રમણાને પગલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વડા પ્રધાને જણાવ્યું કે, દેશમાં છેલ્લા કેટલાક સમયથી અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે સરકારનો કોઈ નિર્ણય પસંદ ન પડે તો જનતા વિરોધ કરતી હતી. હવે વિરોધ કરવા માટે નિર્ણય નહીં પણ ભ્રમનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકારના નિર્ણયનો દુષ્પ્રચાર કરવામાં આવે છે અને આ નિર્ણયનાં કારણે ભાવિ નુકસાન થશે તેવું કહીને લોકો અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે.
જે લોકો દાયકાઓથી ખેડૂતોને લૂંટતા આવ્યા છે, તેમની સાથે છેતરપિંડી કરતા આવ્યા છે તે હવે કાલ્પનિક ભય બતાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
વારાણસીમાં વડા પ્રધાનનો વિચાર વિહાર
• વડા પ્રધાને વારાણસી પ્રવાસના પ્રારંભે કાશી વિશ્વનાથ મહાદેવમાં અભિષેક કર્યો.
• સિક્સ લેનના હાઈવેના લોકાર્પણ બાદ તેઓ ક્રૂઝ દ્વારા રાજઘાટ પહોંચ્યા, દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળીની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો.
• કાશીના ૮૪ ઘાટ ઉપર ૧૫ લાખ દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળીની ઉજવણી કરાઈ.
• પવિત્ર વલણ સાથે કામ કરવામાં આવે તો પૂરાં થાય જ છે, રામમંદિરનું નિર્માણ તેનું ઉદાહરણ છે. ભગવાન રામની ઈચ્છાને તેમના આશીર્વાદથી પૂર્ણ કરવામાં આવી.
• મનના મેલા ભાવ સાથે નહીં પણ હવે ગંગાજળ જેવા પવિત્ર ભાવ સાથે કામ થઈ રહ્યું છે.
• જે લોકો દાયકાઓ સુધી ખેડૂતોનું શોષણ કરતા આવ્યા હતા, તેમની સાથે છેતરપિંડી કરતા હતા, તે લોકો જ હવે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને વધારે નુકસાન કરી રહ્યા છે.
• આજે આપણે રિફોર્મની વાતો કરીએ છે, પણ ગુરુ નાનકજી જ્યારે કાશી આવ્યા હતા ત્યારે તેમણે સમાજને નવી દિશા બતાવીને સુધારાની શરૂઆત કરી હતી.
• આ દિવાળીના તહેવારમાં લોકોએ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરીને સમાજના નાનામાં નાના વર્ગના જીવનમાં ઉજાસ ફેલાવવા પ્રયાસ કર્યો હતો.
• ૧૦૦ વર્ષ પહેલાં માતા અન્નપૂર્ણાની જે મૂર્તિ કાશીથી ચોરાઈ હતી તે વતન પરત આવી રહી છે. માતા ફરી એક વખત ઘરે પરત ફરી રહ્યાં છે, તેનો આનંદ છે.
• આપણા દેવી દેવતાની પ્રાચીન મૂર્તિઓ પરત લાવવી તે આપણો સાચો વારસો છે જ્યારે કેટલાક માટે પોતાની પ્રતિમાઓ અને પરિવારની તસવીરો જ વારસો છે.
• કોરોના કાળમાં પણ કાશીની ઊર્જા, શક્તિ અને ભક્તિમાં ફેરફાર જોવા મળ્યો નથી.