કાશ્મીર-બલુચિસ્તાનના મુદ્દે ભારતનો વળતો જવાબ

Wednesday 27th April 2016 07:08 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફોરેન સેક્રેટરી એજાજ અહમદ ચૌધરી મંગળવારે હાર્ટ ઓફ એશિયાના ઓફિશિયલ્સની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા હતા. તેમની એક દિવસીય ભારત મુલાકાતમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપ સાથેની વાતચીતમાં તેમણે ભારત – પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને કોર ઈશ્યૂ ગણાવ્યો હતો. તેઓએ બલુચિસ્તાનમાં ધરપકડ કરાયલા ભારતીયનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પઠાણકોટ પરના હુમલા પછી ભારતના મુદ્દાઓ પર પાકિસ્તાને મહત્ત્વ નહોતું આપ્યું એ વિશે પણ તેમણે ચર્ચા કરી હતી.

પાકિસ્તાનના હાઈ કમિશન વતી એજાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર બંને દેશો માટે મહત્ત્વનો મુદ્દો છે. આ મામલાનો યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન દ્વારા ઉકેલ લાવવો જોઈએ. એજાજે જયશંકરની સાથે વાતચીતમાં સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના આરોપીઓને છોડી મૂકવાની ટહેલ પણ નાંખી હતી. બીજી તરફ ભારતે પાકિસ્તાનથી પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર સખત એક્શન લેવા જોઈએ તેવું પણ કહ્યું હતું. સામે ભારતે પઠાણકોટ તથા મુંબઈ હુમલાની ઝડપી તપાસની માગની રજૂઆત એજાજ પાસે કરી હતી.

ભારત તરફથી વિકાસ સ્વરૂપે કહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરનો મુદ્દો યુએન ૧૨૬૭ સેક્શન કમિટી સામે મૂકવા યોગ્ય છે અને દ્વિપક્ષીય સંબંધોમાં આતંકવાદના કારણે થતી અસરો અંગે પાકિસ્તાને ગંભીર રીતે નોંધ લેવી જોઈએ. વિકાસે પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય કુલભૂષણ જાદવને કાયદાકીય મદદ કરવા માટેની જોગવાઈ મળી રહે તેના માટે પાકિસ્તાન પર દબાણ કર્યું હતું. બંને દેશોના ફોરેન સેક્રટરીઓની વાતચીતમાં માછીમારો અને કેદીઓના મુદ્દે માનવતાવાદી વલણ લેવામાં આવે તે અંગે ચર્ચા થઈ હતી.

પાક. હાઈ કમિશનના જણાવ્યા મુજબ, ભારત-પાક વચ્ચેની મુલાકાત દ્વારા દ્વિપક્ષીય ચર્ચાઓને વધુ ફળદાયી બનાવવાની કરવાની ફરી તક ઊભી થશે. આ મુલાકાત બાદ શિવસેનાએ કહ્યું છે કે, આ વ્યર્થ કવાયત છે. પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ-બંધ કરવાનો કોઈ મતલબ નથી. આપણને ખબર જ છે કે, ફળશ્રુતિ શું હશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter