એક સમયે આતંકના અજગરભરડામાં ફસાયેલા જમ્મુ-કાશ્મીરનો માહોલ કેવો બદલાયો છે તે સમજવું હોય તો આ બન્ને તસવીર પર એક નજર ફેરવો. ત્રણ દસકા પૂર્વે ભાજપે ડો. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં એકતા યાત્રા યોજી હતી. યાત્રાનું સમાપન શ્રીનગરમાં થયું હતું અને યુવા નેતા નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને ખુલ્લો પડકાર ફેંકતા અલગતાવાદીઓના ગઢસમાન લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. આ સમાચાર દેશભરના અખબારમાં છવાઇ ગયા હતા. આ વાત થઇ 1992ની... હવે વાત કરીએ આજની 2023ની. 15 ઓગસ્ટે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઇ. શ્રીનગરના આ જ લાલ ચોકમાં સોમવારે ગર્વભેર તિરંગા રેલી યોજાઇ હતી, જેમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના આતંકી જાવેદ મટ્ટુના ભાઇ રઇસ મટ્ટુ જોડાયા હતા અને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો હતો.