કાશ્મીરમાં ઓલ પાર્ટી ડેલિગેશન સાથે મુલાકાત માટે અલગાવવાદી નેતાઓનો ઈનકાર

Wednesday 07th September 2016 08:09 EDT
 
 

નવી દિલ્હી, શ્રીનગરઃ કાશ્મીર ખીણની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મુલાકાતનો ઇનકાર કરનાર અલગતાવાદીઓને આકરી ફટકાર લગાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે, આ ન તો જમ્હૂરિયત છે, ન કાશ્મીરિયત અને ન તો ઇન્સાનિયત છે. અલગતાવાદીઓને પર ચિડાતાં રાજનાથે કહ્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો રહ્યો છે. કાશ્મીરના લોકો પણ આ વાત સ્વીકારે છે. કાશ્મીરમાં શાંતિ ઇચ્છનારા લોકો માટે ફક્ત અમારા દરવાજા જ નહીં પરંતુ રોશનદાન પણ ખુલ્લાં છે. કાશ્મીરમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની મુલાકાતના બીજા દિવસે સોમવારે પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાજનાથે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે અત્યાર સુધીમાં ૩૦થી વધુ ડેલિગેશનના ૩૦૦ લોકો સાથે મુલાકાત કરી છે. તેમાં સિવિલ સોસાયટી, રાજકીય પક્ષો, યુનિર્વિસટીના પ્રોફેસર્સ, વાઇસ ચાન્સેલર્સ, ફળોના ઉત્પાદકો, વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓનો સમાવેશ થાય છે.
અલગતાવાદીઓને આકરી ફટકાર લગાવતા રાજનાથે જણાવ્યું હતું કે, કોઇ વાતચીત કરવા આવે અને તેની સાથે તમે વાત ન કરો એ કાશ્મીરિયત તો નથી જ. જુલાઇ મહિનામાં હિઝબુલના આતંકવાદીના મોત બાદ દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચેની બે મહિના લાંબી અથડામણોને કારણે અશાંત કાશ્મીર ખીણમાં શાંતિ મંત્રણા માટે અલગતાવાદી નેતાઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ક્રાઇસિસ મેનેજમેન્ટના પગલાં લોકોની પીડા લંબાવશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ હુર્રિયત કોન્ફરન્સ સહિત કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે આમંત્રણ ફગાવી દીધું હતું.
દરમિયાન પ્રતિનિધિમંડળના ચાર સભ્યો સીપીઆઇના ડી રાજા, સીપીએમના સીતારામ યેચૂરી, રાજદના જયપ્રકાશ નારાયણ યાદવ અને જદયુના શરદ યાદવે છેલ્લા નજરકેદમાં રખાયેલા હુર્રિયતના હાર્ડલાઇનર નેતા સૈયદ અલી શાહ ગિલાની સાથે મુલાકાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે મુલાકાત માટે ઇનકાર કરી દીધો હતો. જેલમાં રહેલા હુર્રિયતના મવાળવાદી નેતા મિરવાઇઝ ઉમર ફારૂકે પણ એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીને મળવાની ના પાડી દીધી હતી.
માત્ર ભાજપ કાશ્મીરસમસ્યા ઉકેલી શકેઃ આઝાદ
પ્રધાનમંડળની કાશ્મીર મુલાકાત અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ભાજપને સમર્થન આપતાં જણાવ્યું કે, કાશ્મીરની સમસ્યા એવી છે જેનો ઉકેલ માત્ર ભાજપ દ્વારા જ લાવી શકે તેમ છે. તેને કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. આ પહેલાં ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધીએ પણ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા હતા પણ ભાજપે તેનો સખત વિરોધ કર્યો હતો. ભાજપ આ ઉકેલને લઘુમતીઓનાં તુષ્ટિકરણ સાથે સરખાવતો હતો. વર્તમાન સમયમાં ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્ય બંનેમાં છે, ભાજપ ઇચ્છે તો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે તેમ છે.
અલગતાવાદીઓ પાસે ભીખ ન માગો
જોકે અલગાવવાદીઓ સાથેની સર્વપક્ષીય બેઠકમાં એક પણ અલગાવવાદી હાજર ન રહેતાં પાંચમીએ કાશ્મીરી પંડિતોના એક સંગઠન પનુને જણાવ્યું કે, કાશ્મીર મામલે મોદી અલગાવવાદીઓની સામે ભીખ માગવાનું બંધ કરે. કાશ્મીરી પંડિતો વતી જારી નિવેદનમાં સંગઠને કહ્યું કે અમે પણ સર્વપક્ષીય બેઠકનો બોયકોટ કરીએ છીએ. સરકાર અને નેતાઓ જે રીતે અલગાવવાદીઓને બોલાવવા તેમના ખરે જઇ જઇને બારણા ખટખટાવી રહ્યા છે તે જોઇને શરમ આવે છે. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે મોદી સરકારનો આ પ્રયાસ મજાક જેવો છે.
પ્રતિનિધિ મંડળ પહોંચતાં જ હિંસા
બીજી તરફ પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચતાં જ કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી. કાશ્મીર ખીણમાં આવેલા શોપિયાંમાં મિની સચિવાલયને ચોથીએ આગ ચાંપી દેવાઈ હતી અને ૫૦ને ઇજા થઈ હતી. પોલીસ કન્ટ્રોલરૂમે જણાવ્યું હતું કે, આગ ચંપાઇ ત્યારે ઇમારતમાં કોઇ કર્મચારી હાજર નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter