શ્રીનગર, નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી બ્રિગેડનાં મુખ્ય મથક પર રવિવારે પરોઢિયે પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં સેનાના ૧૮ જવાનો શહીદ થયા હતા. હુમલાની આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારત સરકારે કહ્યું હતું કે દોષિતો સામે આકરાં પગલાં લેવાશે. જ્યારે સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાનને અમે અમારા સમયે જડબાતોડ જવાબ આપશું.
છેલ્લા એક દસકાના આ સૌથી મોટા આતંકી હુમલામાં આતંકવાદીઓએ ટેન્ટમાં સૂતેલા જવાનો પર ગ્રેનેડ અને ઓટોમેટિક શસ્ત્રો વડે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ સમયે મોટી સંખ્યામાં જવાનો ટેન્ટમાં આરામ ફરમાવતા હતા. હુમલાની જાણ થતાં જ સેનાના જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં ચારેય આતંકવાદી ઠાર મરાયા હતા. છ કલાક લાંબી ગનફાઇટમાં ૩૦ જવાનોને ઈજા પહોંચી હતી.
હુમલાની આ ઘટનાથી ભારતભરમાં પાકિસ્તાન સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકા અને રશિયાનો વિદેશપ્રવાસ મોકૂફ રાખીને ટોચના સંરક્ષણ અને ગુપ્તચર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર અને સેનાધ્યક્ષ દલબીર સુહાગે ઉરી પહોંચીને માહિતી મેળવી હતી.
હુમલો થયો તે વેળા કેમ્પમાં ૩૫૦૦થી ૪૦૦૦ જવાનો હાજર હતા. સૈન્યમાં ૨.૩૦ વાગે રસોડામાં કામ શરૂ થઈ જાય છે. કુક અને જે જવાનોની જમવાનું બનાવાની ડ્યુટી હતી તે રસોડામાં કામ કરી રહ્યા હતા.
તેમના સિવાયના કેટલાક જવાનો આરામ કરી રહ્યા હતા. હુમલા પછી ગોળીબારના અવાજના કારણે બધા હુમલા સ્થળ તરફ દોડ્યા હતા.
આ દિવસોમાં કેમ્પમાં ૧૦ ડોગરા રેજિમેન્ટના જવાનો, ૬ બિહાર રેજિમેન્ટના જવાનો રિલીવ કરી રહ્યા છે. આ સમયે ડોગરા રિજેમેન્ટના કેટલાક જવાનો તંબુમાં આરામ કરી રહ્યા હતા. આતંકીઓને પહેલાથી જ ડ્યુટી બદલાવાના સમયની જાણ હતી. એમ પણ બની શકે છે કે બેઝમાં હાજર કોઈ વ્યક્તિએ
આ સૂચના આતંકીઓ સુધી પહોંચાડી હોય.
જૈશનું કારસ્તાન
ભારતીય લશ્કરના ડીજીએમઓ રણબીર સિંહે જણાવ્યું હતું કે, ઠાર મરાયેલા ચારેય આતંકી વિદેશી અને જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી પાકિસ્તાની બનાવટની ચીજવસ્તુઓ મળી આવી છે. આતંકીઓ પાસેથી ૪ એકે-૪૭ રાઇફલ, ૪ અંડર બેરલ ગ્રેનેડ સહિત મોટા પ્રમાણમાં શસ્ત્રસરંજામ મળી આવ્યો છે. અમે હુમલાના કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપીશું.
સંરક્ષણ નિષ્ણાત એસ. આર. સિંહાએ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની શંકા જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારતે બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સામે પ્રોક્સીવોર શરૂ કરી દીધું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે ઉરીમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢીએ છીએ. હું દેશને ખાતરી આપું છું કે, આ ઘાતકી હુમલાના જવાબદારોને સજા આપ્યા વિના છોડીશું નહીં. હુમલામાં શહીદ થયેલા જવાનોને, દેશ માટેની તેમની સેવાઓ હંમેશાં યાદ કરાશે. રાજનાથ સિંહે પાકિસ્તાને આતંકવાદી દેશ ગણાવતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને એકલા પાડી દેવાની જરૂર છે. પાકિસ્તાન આતંકવાદ અને આતંકી સંગઠનોને સતત સમર્થન આપી રહ્યો છે તેથી હું હતાશ થયો છું. આતંકવાદી હુમલાને રાષ્ટ્રીય સભાનતા પરનો હુમલો ગણાવતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, હુમલાના કાવતરાખોરો અને તેમની પાછળ રહેલાં તત્ત્વો સામે કડક પગલાં લેવાં જોઇએ. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવેસરથી હિંસા ફેલાવવા અને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરવા હુમલો કરાયો છે.
પાક. આતંકવાદી દેશઃ રાજનાથ
સંરક્ષણ પ્રધાન પર્રિકરે ૧૮ સૈનિકોના બલિદાનનો બદલો લેવાના નિર્દેશ સૈન્યને આપી દીધા છે. નોર્ધર્ન આર્મી અને ચીનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડ્ડા અને લેફ. જનરલ સતીષ દુઆએ સાંજે તેમને ઉરી એટેક પર બ્રિફ કર્યા હતા. તેમજ ત્રાસવાદીઓનો રસ્તો બનેલા સોફ્ટ પોઈન્ટ્સ પર પણ ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ હુમલાના જવાબમાં પ્રતિક્રિયાના એક્શન પ્લાન પર બેઠકમાં વાત થઈ. તે અંગે ટૂંક સમયમાં ઉચ્ચ સ્તર પર યોજના બનશે. ત્રાસવાદી હુમલાઓની શ્રેણીમાં પાર્રિકરે એક સમયે કહ્યું હતું કે આવા હુમલા કરનારાને પણ પીડાનો અનુભવ થવો જોઈએ.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આતંકવાદ અને આતંકવાદી જૂથોને પાકિસ્તાનના પ્રત્યક્ષ સમર્થનથી નિરાશ છું. પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે. તેને અલગ પાડવો જરૂરી છે. વાતના નક્કર સંકેત છે કે ઉરીના હુમલાખોર સંપૂર્ણ રીતે તાલિમબદ્ધ હતા.
પાક.ને એકલું પાડી દેવાશે
પાક. સમર્થિત આતંકીઓ દ્વારા ભયાનક હુમલા બાદ દેશની સેના અને જનતામાં ભારે આક્રોશ જોતાં સોમવારે સવારથી જ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. વડા પ્રધાન મોદીનાં નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મોદીએ તાકીદનાં પગલાં તરીકે પાકિસ્તાનને કૂટનીતિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલો પાડી દેવા કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મોદીએ યુનોની આગામી સામાન્ય મહાસભા સહિતના તમામ મોટા વૈશ્વિક મંચ પર આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અંગેના સચોટ પુરાવા રજૂ કરવાની તાકીદ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત યુનોમાં આ પુરાવા રજૂ કરી પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માગ કરી શકે છે.
૨૬ સપ્ટેમ્બરે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ મહાસભાને સંબોધન કરવાનાં છે. તે ઉપરાંત આગામી ૯ અને ૧૦ નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં આયોજિત સાર્ક સંમેલનમાં હાજર નહીં રહીને વડા પ્રધાન મોદી પાકિસ્તાનને સીધો સંદેશો આપી શકે છે. વડા પ્રધાન મોદીએ સાંજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મંત્રણા કરીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
ઉરી પછી હંદવાડામાં હુમલો
ઉરીમાં સેના છાવણી પર કરાયેલા આતંકી હુમલાના બીજા જ દિવસે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકીઓએ હુમલો કર્યો હતો. સોમવારે મોડી રાત્રે હંદવાડામાં આતંકીઓ પોલીસ ચોકી પર ત્રાટક્યા હતા. આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સામેથી પોલીસે પણ ૧૫ મિનિટ સુધી ગોળીબાર
કર્યો. હંદવાડા એલઓસીની નજીક છે. પ્રાથમિક રીતે એવું મનાય છે કે ભારતને વધારે ઉશ્કેરવા આતંકીઓનું આ કારસ્તાન છે.
આંતરરાષ્ટ્રીય આઘાત-પ્રત્યાઘાત
ઉરી હુમલાને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ફ્રાન્સના પ્રમુખ હોલાન્દેએ ત્રાસવાદી જૂથો સામે પગલાં લેવા હિમાયત કરી છે. જ્યારે રશિયાએ પાક. સાથે લશ્કરી કવાયત પડતી મૂકી છે. જાપાને પણ જાહેર કર્યું છે કે તે ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત સાથે છે.
ચીને ઉરી આતંકી હુમલાને તો વખોડ્યો છે, પણ એવી ધમકી ઉચ્ચારી છે કે ભારતે પીઓકેમાં પગલાં લેતાં પહેલાં વિચાર કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે આ પ્રદેશમાં ચીનના વ્યાપક આર્થિક હીતો સંકળાયેલા છે.