શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં લાઇટ્સ, કેમેરા અને એક્શનનો દોર છે. સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ હોવાની સાથે સરકાર તરફથી અનેક ઇન્સેન્ટિવ અપાયા પછી જમ્મુ-કાશ્મીરમાં શૂટિંગ કરવા માટે ફિલ્મકારોને ફરીથી વિશ્વાસ બેઠો છે. ફિલ્મ, વેબ સીરીઝ, સીરિયલ અને ડોક્યુમેન્ટ્રીના શૂટિંગની સંખ્યા સતત વધી રહી છે. 2022માં અહીં 300 શૂટિંગ થયાં હતાં. પ્રવાસન નિદેશક રાજા યાકૂબે કહ્યું કે આ વર્ષે રેકોર્ડ 600 ફિલ્મ અને અન્ય સીરિયલ, વેબ સીરીઝનું શૂટિંગ થવાની આશા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 300 શૂટિંગ તો થઈ ગયા છે. મે મહિનામાં શૂટિંગ માટે 30થી વધુ અરજીઓ દાખલ થઈ છે, મહિનાના અંત સુધીમાં ફિલ્મ શૂટિંગની સંખ્યા વધવાની શક્યતા છે.
તાજેતરમાં શ્રી નગરમાં જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકને કારણે કાશ્મીરને શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે વેગ મળ્યો છે. સરકારે બોલિવૂડ સહિત કોલિવૂડ અને અન્ય રિજનલ ફિલ્મકારોને આકર્ષિત કરવા માટે ‘કાશ્મીર - ધ ફર્સ્ટ ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન’નું અભિયાન શરૂ કર્યું છે.
જી-20ની વચ્ચે હોલિવૂડે પણ શૂટિંગ માટે રસ દાખવ્યો
શ્રીનગરમાં યોજાયેલી જી-20ની બેઠકમાં 17 દેશના 120 પ્રતિનિધિએ ભાગ લીધો. ટૂરિઝમ વર્કિંગ ગ્રુપમાં અમેરિકન દળોમાં જોડાયેલા હોલિવૂડ ડેલિગેટ્સે પણ કાશ્મીરમાં ફિલ્મ શૂટિંગ માટે રસ દાખવ્યો હતો. કાશ્મીરમાં અંગ્રેજી ફિલ્મ ‘ધ રેજર્સ એજ’ (1983) અને ‘ધ ક્લાઇબ’ (1986)નું શૂટિંગ થયું હતું. શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાગુ કરાઇ છે અને માત્ર 4 અઠવાડિયામાં મંજૂરી આપી દેવાય છે.