નવી દિલ્હીઃ એક સમયે આતંકવાદથી અશાંત જમ્મુ-કાશ્મીર આજે આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. વિવાદાસ્પદ કલમ-370ની નાબૂદી સાથે જ રાજ્યમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. પરંપરાગત રૂપથી સફરજનની ખેતી અને પર્યટન પર નિર્ભર જમ્મુ-કાશ્મીરમાં હવે નવા સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી વિકસિત થઇ રહ્યાં છે. જૂની ઇન્ડસ્ટ્રીઝમાં નવો અભિગમ ઉમેરીને તેમાં વધુ તેજી લવાઇ રહી છે. વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીર સ્ટાર્ટઅપ નીતિ રજૂ થયા બાદથી ખાસ કરીને આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં તેજી આવી રહી છે. હવે તેને વિદેશી ફંડિગ પણ મળવા લાગ્યું છે.
ક્યૂલ ફ્રૂટવોલ ફાર્મ ઇન્સ્ટોલેશનના સ્થાપક ખુરમ મીરના સ્ટાર્ટઅપને બેલ્જિયમ સ્થિત ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર ઇન્કોફિન અને નોઇડા મુખ્યાલય વાળા ફિડલિન વેન્ચર્સ પાસેથી 60 કરોડ રૂપિયા મળ્યા છે. મીર કહે છે કે છેલ્લા અનેક વર્ષોથી સંકટ સામે ઝઝુમી રહેલી કાશ્મીરની ઇન્ડસ્ટ્રીઝને વિદેશી અને સ્થાનિક રોકાણકારો તરફથી આ પ્રકારના સપોર્ટની જરૂર છે. મીર કેટલાક વર્ષ પહેલાં જ પોતાની યુરોપની નોકરી છોડીને પોતાના પરિવારનો સફરજનનો બિઝનેસ સંભાળવા માટે કાશ્મીર પરત ફર્યા છે.
કાશ્મીર ખીણમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે ડિલીવરીની સુવિધા આપનારા એક લોજિસ્ટિક સ્ટાર્ટઅપ ફાસ્ટબીટલે 2019માં લોન્ચિંગ બાદથી, મીરની જેમ જ - સ્થાનિક રોકાણકારો પાસેથી 4 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 8-10 કરોડ રૂપિયાનો વાર્ષિક કારોબાર કરતી આ કંપનીએ જયપુર સ્થિત કેએમ ટ્રાન્સ લોજિસ્ટિક્સ અને શાર્ક ટેન્ક ઇન્ડિયા સહિત અન્ય સ્થાનિક રોકાણકારો પાસેથી આ રોકાણ પ્રાપ્ત કર્યું છે.
તદુપરાંત કાશ્મીરી વિલો (જેના વૃક્ષમાંથી ક્રિકેટના બેટ બનાવાય છે)ની ગુણવત્તામાં સુધારો કરીને ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટ બનાવનારા સ્ટાર્ટઅપે પણ શાર્ક ટેન્ક ઇન્ડિયા પાસેથી 30 લાખ રૂપિયાનું રોકાણ હાંસલ કર્યું છે. ટ્રેંબૂ સ્પોર્ટ્સ નામનું આ સ્ટાર્ટઅપ કાશ્મીરી વિલોથી બનેલા ક્રિકેટ બેટ્સને ઇંગ્લિશ વિલો બેટ્સનું મુખ્ય હરીફ બનાવવા માંગે છે.
ટ્રેંબુના બેટની કિંમત લગભગ 40-50 હજાર રૂપિયા છે - જે ઇંગ્લિશ વિલોથી બનેલા બેટ કરતાં અડધી છે. તેના સહ-સ્થાપક સાદ ટ્રેંબુ કહે છે કે 2021માં લૉન્ચિંગ બાદથી, અમે વિશ્વભરમાં 25,000થી વધુ બેટનું વેચાણ કર્યું છે. હેલ્થ બ્રાન્ડ નામ્ભ્ય ફૂડ્સ હવે દર મહિને 10,000-12,000 ઓર્ડર ડિલીવર કરે છે. તેના સ્થાપક રિધિમા અરોરાએ 30 લાખ રૂપિયાની બચતથી આ બિઝનેસ શરૂ કર્યો હતો તેમને શાર્ક ટેન્ક ઇન્ડિયામાંથી રોકાણકારો પાસેથી 1 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે.
6 વર્ષમાં 167 સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ
જમ્મુ-કાશ્મીરના અધિકારીઓના મતે રાજ્યમાં 2018 અને 2024ની વચ્ચે 167 સ્ટાર્ટઅપે મુખ્ય નોડલ એજન્સી જેકે એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તદુપરાંત 2016માં લોન્ચ થયા બાદથી 708 સ્ટાર્ટઅપે કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જેકે સ્ટાર્ટઅપ્સ એસોસિએશન સાથે જોડાયેલા ઇશાન વર્માનું કહેવું છે કે જમીનના કાયદામાં ફેરફાર અને નવી ઔદ્યોગિક નીતિ અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણને આકર્ષિત કરી રહી છે. ગત વર્ષે, દુબઇની રિઅલ એસ્ટેટ કંપની એમ્મારે 500 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે એક મેગા મોલ અને ટ્વિન આઇટી શહેર માટે શ્રીનગરમાં રોકાણ કર્યું છે.