દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર બુધવારે સાંજે પૂર્ણ થયું હતું. જેમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બીજી તરફ પોલીસનો વિરોધ કરી રહેલા સ્થાનિકોને વિખેરવા માટે સુરક્ષાજવાનો દ્વારા ફાયરિંગ કરાતા એક સ્થાનિક યુવાનનું મોત થયું છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે સુરક્ષાજવાનોને સમાચાર મળ્યા કે, કાશ્મીરના નૈના બાટાપોરા ગામમાં બે આતંકવાદી છુપાયા છે. સમાચાર મળતાંની સાથે જ સુરક્ષાજવાનો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો હતો. ૫૩ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસે આતંકવાદીઓને શોધવાની કામગીરી આરંભી હતી.