શ્રીનગર/નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપના ગઠબંધનની સરકાર રચાયાને હજુ બે જ દિવસ વીત્યા હતા ત્યાં અહીં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા સાથે વિરોધ કરી રહેલા બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ પર પોલીસે ક્રૂરતાથી લાઠીચાર્જ થયો હતો. ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપની સેમી ફાઇનલ મેચમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પરાજય થયો હતો, જેને પગલે શ્રીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઇટી)માં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ જશ્ન મનાવ્યો હોવાનો અહીં અભ્યાસ કરતા બિનકાશ્મીરી વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો. વિવાદ વકરતા કાશ્મીરી અને બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ વચ્ચે મારા-મારીની ઘટના બની, જેથી બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. બાદમાં બિનકાશ્મીરી વિદ્યાર્થીઓએ કેમ્પસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ‘ભારત માતાની જય’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ જ હતું ત્યાં પોલીસ આવીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. એક વિદ્યાર્થીને પાંચ પાંચ પોલીસ ઘેરીને ઢોર માર મારતા હોવાની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. કેટલાક વિદ્યાર્થીઓને ગેટ બંધ કરીને માર માર્યો હોવાના પણ આક્ષેપ છે. આ ઘટના બાદ શ્રીનગરના એનઆઇટીમાં અભ્યાસ કરતા બિનકાશ્મીરી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. બીજી તરફ આ ઘટના બાદ ખુદ ભાજપ જ ઘેરાઇ ગઇ છે કેમ કે ભાજપના નેતા અને કાશ્મીરના ઉપમુખ્ય પ્રધાન નિર્મલસિંહે લાઠીચાર્જને સામાન્ય મામલો ગણાવ્યો હતો, જોકે વિપક્ષોએ ભારે વિરોધ કરતા નિર્મલસિંહે કહ્યું કે મને ગેરમાર્ગે દોરાયો હતો.