ઉદેપુર: હિંદુ શ્રદ્ધાળુઓ એવી આસ્થા ધરાવે છે કે પવિત્ર નદીઓ-કુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાય છે, જોકે સામાન્ય રીતે આ માન્યતા મનોવૈજ્ઞાનિક રીતે દિલાસો આપવા માટે પૂરતી છે, તેનાથી પાપ ધોવાયાં કે નહીં તેનું કોઈ નક્કર પ્રમાણ હોતું નથી, જોકે રાજસ્થાનનાં એક શિવમંદિર થોડું 'હટકે' છે, અહીં શ્રદ્ધાળુઓને 'પાપમુક્ત' થયાનું રીતસરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગોમતેશ્વર મહાદેવ પાપમોચન તીર્થધામ નામનું આ શિવમંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં છે, અહીં હજારો શ્રદ્ધાળુઓ આવે છે.
આ મંદિરના કુંડમાં ડૂબકી લગાવનારાઓને પાપમુક્ત થયાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેને બદલે શ્રદ્ધાળુઓએ મંદિરમાં રૂ. ૧૧ રૂપિયાનું દાન આપવાનું રહે છે. મંદિરનો દાવો છે કે, અહીં આઝાદીના સમયથી લઈને અત્યાર સુધીના એ તમામ લોકોનો રેકોર્ડ જાળવી રાખ્યો છે જેમણે મંદિરના મંદાકિની કુંડમાં ડૂબકી લગાવી છે અને જેમને પાપમુક્તિનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અહીં પૂજારીઓની એક સંસ્થા છે જે ૧ રૂપિયામાં પાપમુક્તિનું સર્ટિફિકેટ આપે છે અને ૧૦ રૂપિયા દોષનિવારણ માટે લેવામાં આવે છે.
પૂજારી નંદકિશોર શર્મા જણાવે છે કે, જે લોકોને કોઈ કારણોસર ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય છે તેઓ અહીં આવે છે અને કુંડમાં સ્નાન કર્યા બાદ પાપમુક્તિનું સર્ટિફિકેટ લઈ પાછા પોતાને ગામ ચાલ્યા જાય છે. આ તીર્થસ્થાન સેંકડો વર્ષોથી જાણીતું છે અને તેને 'આદિવાસીઓનું હરિદ્વાર' કહેવામાં આવે છે.
અહીં મે મહિનામાં આઠ દિવસ માટે ગોમતેશ્વર મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. હાલનાં વર્ષોમાં અહીં આવનારાં લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે, પરંતુ મોટાભાગનાં લોકો સર્ટિફિકેટ લેતાં નથી. આ વર્ષે આશરે બે લાખ લોકોએ કુંડમાં સ્નાન કર્યું હતું પરંતુ સર્ટિફિકેટ ફક્ત ત્રણ લોકોએ જ લીધું હતું.