મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના આંકડા મુજબ કોરોના મહામારી બાદ મોંઘવારી વચ્ચે નોન-રેસિડન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) ડિપોઝિટ્સમાં નાણાંનો પ્રવાહ માર્ચ 2022માં સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં ઝડપથી ઘટીને 3.23 બિલિયન ડોલર થયો છે. અગાઉના નાણાંકીય વર્ષે 7.36 બિલિયન ડોલર જમા થયા હતા. આ સાથે માર્ચ 2022ના અંતે કુલ એનઆરઇ ડિપોઝિટ્સ ઘટીને 138.02 બિલિયન ડોલર થઇ છે. જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષ 2021માં થાપણો 10 બિલિયન ડોલર વધીને 141.98 બિલિયન ડોલર હતી, જે નાણાંકીય 2020માં 130.58 બિલિયન ડોલર હતી.
એફસીએનઆર ડિપોઝિટમાં સૌથી વધુ ઘટાડો
ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ એકાઉન્ટ (એફસીએનઆર) ડિપોઝિટ્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે અને તે માર્ચ 2021ના 20.47 બિલિયન ડોલરથી ઘટીને માર્ચ 2022ના અંતે 16.91 બિલિયન ડોલર થઇ છે. બેન્કરોનું કહેવું છે કે, વૈશ્વિક નાણાંકીય સ્થિતિ અને ફુગાવાની પરિસ્થિતિમાં ફેરફાર આગામી સમયમાં એનઆરઆઇ ડિપોઝિટ્સમાં નાણાં પ્રવાહને પ્રભાવિત કરતા રહેશે. ઉપરાંત સ્થાનિક બજારમાં રેમિટન્સ અને વ્યાજદરો પણ અસર કરશે.
રૂપી-ડીનોમિનેટેડ નોન-રેસિડેન્ટ એક્સટર્નલ (એનઆરઇ) એકાઉન્ટમાં જમા થાપણો વર્ષ પૂર્વેના 102.57 બિલિયન ડોલરથી ઘટીને માર્ચ 2022ના અંતે 100.8 બિલિયન ડોલર થઇ છે. તેથી વિપરીત નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટરમાં થાપણો સમીક્ષાધીન સમયગાળામાં 18.84 બિલિયન ડોલરથી વધીને 21.30 બિલિયન ડોલર થઇ છે.
ભારતના ફોરેક્સમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના અંતે યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારતના વિદેશી હૂંડિયામણમાં જંગી ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2022માં ભારતનું ફોરેક્સ રિઝર્વ 30.3 બિલિયન ડોલર વધીને 607.3 બિલિયન ડોલર થયું હતું, જે ત્યારબાદ સતત ઘટતા 6 મે, 2022ના રોજ 596 બિલિયન ડોલર રહ્યું હતું.