ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાંથી ગયા સપ્તાહે પકડાયેલા કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ યાદવના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કુલભૂષણ ભારતીય જાસૂસ હોવાની કબૂલાત કરતો જણાય છે. આ જાહેરાત સાથે પાકિસ્તાને ભારત સરકારના એ નિવેદનો છેદ ઉડાડ્યો છે જેમાં કુલભૂષણ ભારત સરકારનો કે ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રો)નો જાસૂસ હોવાનો ઇન્કાર કરાયો છે.
ઈસ્લામાબાદમાં મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ આ વીડિયો રજૂ કર્યો હતો. સાથે સાથે પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ અસિમ બાજવાએ દાવો કર્યો હતો કે કુલભૂષણનું કામ બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદને ઉશ્કેરવાનું હતું. ૬ મિનિટના વીડિયોમાં કુલભૂષણ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે માહિતી એકઠી કરતા હોવાની વાત સ્વીકારે છે. સાથે સાથે વીડિયોમાં એ પોતે ક્યારે ભારતીય નૌકાદળમાં જોડાયા તેની પણ વાત કરતા દેખાય છે. આ વીડિયો પ્રમાણે કુલભૂષણે ૨૦૦૧માં સંસદભવન પરના હુમલા બાદ જાસૂસી ક્ષેત્રે ઝંપલાવ્યુ હતું.
બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ વીડિયોને નકારી કાઢતા કહ્યું છે કે અમે કુલભૂષણ અમારા ગુપ્તચર ન હોવાના નિવેદન પર કાયમ છીએ. સાથે સાથે વિદેશ મંત્રાલયે એમ પણ ઉમેર્યુ હતું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કુલભૂષણને ત્રાસ આપીને તેમની પાસેથી ધરાર આવી કબુલાત કરાવવામાં આવી છે.
પાકિસ્તાની લેફ. જનરલ બાજવાએ વધુમાં ઉમેર્યું હતું કે બલુચિસ્તાન પ્રાંતમાં રહીને કુલભૂષણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. જેથી પાકિસ્તાનમાં સરળતાથી નેટવર્ક સ્થાપી શકે અને જાસૂસી કરી શકે. યાદવ પાસેથી બલુચિસ્તાન પ્રાંત સહિત પાકિસ્તાનના નકશા પણ મળી આવ્યા હોવાનો દાવો પણ પાકિસ્તાની આર્મીના અધિકારીઓએ કર્યો હતો.
ભારત સરકારે પહેલેથી જ કુલભૂષણ પોતાના જાસૂસ નથી, અને માત્ર એક બિઝનેસમેન છે એવી સ્પષ્ટતા કરી છે. બિઝનેસને કારણે તે ઘણા દેશોમાં ફરતા રહે છે, એવો બચાવ પણ કુલભૂષણના ભારત સ્થિત પરિવારે કર્યો હતો.