દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરેન રિજીજુએ શકુંતલા ગેમલીનની નિયુક્તિ પર સર્જાયેલા વિવાદમાં વંશીય ભેદભાવનો આરોપ મૂકતાં નવો વળાંક આવ્યો છે. રિજીજુએ ‘આપ’ની દિલ્હી સરકાર પર આરોપ મૂક્યો હતો કે શકુંતલા ગેમલીન ઉત્તરપૂર્વ ભારતનાં વતની હોવાથી તેમની નિયુક્તિ પર કેજરીવાલ સરકાર વાંધો ઉઠાવે છે. આ મુદ્દામાં પ્રિન્સિપલ સેક્રેટરી અનિન્દો મજુમદારને ફરજ પરથી હટાવાયા છે.
૧૧ જુને મુંબઈ, ૨૩ જુને અમદાવાદમાં ચોમાસું આવશેઃ ખાનગી કંપની સ્કાયમેટના જણાવ્યા મુજબ કેરળમાં ચોમાસુ ૨૭થી ૨૯મી મે સુધીમાં બેસશે. જ્યારે ૧૯ મે સુધીમાં આંદામાન-નિકોબારમાં આવી શકે છે. ઉપરાંત મુંબઈમાં ૧૧ જુને, ૨૩ જૂને અમદાવાદમાં અને ૩૦ જુન સુધીમાં દિલ્હીમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના છે. સ્કાયમેટ મુજબ દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ૬થી ૯ જુન સુધીમાં વરસાદ પડી શકે છે. અલનીનોની આશંકાઓ વચ્ચે ચોમાસુ આ વખતે રાહત આપશે.
મધર ટેરેસા ‘ધર્મોપદેશક’ તરીકે સ્થપાશેઃ નોબેલ પુરસ્કારથી સન્માનિત મધર ટેરેસાને ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં ધર્મોપદેશક તરીકે સ્થપાશે, તેમ સાયરો મલબાર ચર્ચના વડા પૌલ થેલેકારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અલ્બાનિયામાં જન્મેલા મધર ટેરેસાને ૨૦૦૩ના ઓક્ટોબરમાં પોપ જ્હોન પોલ બીજાએ ધર્મગુરુની પદવી આપી હતી.
૭૯ વર્ષના ગુજરાતી ફોટોગ્રાફરને ૧૦ વર્ષની જેલઃ મુંબઈના મુલુંડમાં બે સગીર બહેનો પર બળાત્કાર કરવાના તથા તેમના અશ્લીલ ફોટો કાઢવાના આરોપ હેઠળ સેશન્સ ર્કોટે ૭૯ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન ફોટોગ્રાફર નરસી કતીરાને ૧૦ વર્ષની જેલ સજા ફટકારી હતી અને સાથે જ રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સ્પેશ્યલ વિમેન્સ ર્કોટનાં જજ વૃષાલી જોશીએ નરસી કતીરાને સજા આપતાં બીજો રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો જેમાંથી બંને બહેનોને રૂ. ૨૫-૨૫ હજાર અપાશે. ર્કોટે કેસની સુનાવણીમાં બે ફરિયાદી સગીર બહેનોની સાથે ૧૬ સાક્ષીઓને આધારે ચૂકાદો આપ્યો હતો.