નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. 21 માર્ચે તેમની એક્સાઈઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાઇ હતી. 51 દિવસ જેલમાં રહેલા કેજરીવાલને 21 દિવસ સુધી બહાર રહેવાની છૂટ અપાઇ છે. તેમણે બીજી જૂને આત્મસમર્પણ કરવું પડશે. ઈડીએ જામીનનો વિરોધ કર્યો હતો, પણ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે જે શરતો મૂકી છે. તે અનુસાર • રૂ. 50 હજારનો વ્યક્તિગત બોન્ડ ભરવાનો રહેશે. • સીએમ ઓફિસ નહીં જાય. • લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વિના ફાઇલ પર સહી નહીં કરે. • શરાબ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે કોમેન્ટ નહીં કરે. • કોઈ સાક્ષીનો સંપર્ક કરશે નહીં. • પાસપોર્ટ સરેન્ડર કરશે. અને • દિલ્હીની બહાર જતી વખતે લાઈવ લોકેશન શેર કરશે.
મોદી રિટાયર થઇ જશેઃ કેજરીવાલ
જામીન પર મુક્ત થયા બાદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે 17 ડિસેમ્બરે મોદી 75 વર્ષના થઈ જશે એ પછી તેઓ રિટાયર થઈ જશે, અને તેઓ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. આથી લોકોએ મોદીને મત આપવાનું ટાળવું જોઇએ. સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે યોગી આદિત્યનાથના હાલ શિવરાજ, રમણસિંહ જેવા થઈ જશે. ચોથી જૂને પરિણામ બાદ યોગી યુપીના મુખ્યમંત્રી નહીં હોય.