કેજરીવાલને ભીંસમાં મૂકતી સંદીપકુમારની સેક્સસીડી

Wednesday 07th September 2016 08:25 EDT
 
 

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાનપદેથી હટાવાયેલા અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સંદીપ કુમારની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. સંદીપ કુમારની સેક્સ સીડી બહાર આવ્યા બાદ તેમને અરવિંદ કેજરીવાલે પ્રધાન પદેથી હટાવી દીધા હતા. હવે જે મહિલા આ સીડીમાં જોવા મળી રહી છે તેણે પોલીસ સમક્ષ જઇને એવી ફરિયાદ દાખલ કરાવી છે કે સંદીપ કુમારે નશીલો પદાર્થ પીવડાવી તેની સાથે બળાત્કાર કર્યો હતો.
સીડીકાંડમાં જોવા મળતી મહિલા વિશે હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી બહાર નથી આવી. બીજી તરફ સમગ્ર મામલે વિવાદ બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોઇ પણ હોય પાર્ટીના મૂલ્યોની સાથે બાંધછોડ નહીં થાય, પગલા લેવામાં આવશે. સમગ્ર મામલે ફસાયેલા સંદીપ કુમારે સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધુ છે અને તેમની વિરુદ્ધ પોલીસે રેપની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નહેરૂ, ગાંધીજીના પણ આડા સંબંધો હતા: આશુતોષ
સેક્સ સ્કેન્ડલમાં વગોવાયેલા પોતાના મંત્રીના બચાવમાં આવતાં પ્રવક્તા આશુતોષે જણાવ્યું હતું કે, સંદીપકુમારે કશું ખોટું કર્યું નથી. તે સંમતિથી બંધાયેલો સંબંધ હતો. સેક્સ એ માનવીની શારીરિક જરૂરિયાત છે. ભારતીય નેતાઓ અને નાયકોમાં એવા ઘણા છે જેમણે સામાજિક બંધનોને પાર સંબંધો બાંધ્યા હતા. પંડિત નહેરૂના ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. એડવિના માઉન્ટબેટન સાથેના નહેરૂના સંબંધો ઘણા ચર્ચાસ્પદ રહ્યાં હતાં છતાં તેમની રાજકીય કારકિર્દીને કોઈ નુકસાન થયું નહોતું. ૧૯૧૦માં મહાત્મા ગાંધી અને સરલા ચૌધરી વચ્ચેના સંબંધોથી કોંગ્રેસના ટોચના નેતાઓ ઘણા ચિંતિત હતા. મહાત્મા ગાંધીએ કબુલાત કરી હતી કે સરલા મારી આધ્યાત્મિક પત્ની છે. તે સમયે કસ્તુરબા ઘણાં વિચલિત થયાં હતાં. તે સમયે રાજગોપાલાચારી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે ગાંધીજીને સરલા સાથેના સંબંધોનો અંત લાવવા દબાણ કર્યું હતું. વૃદ્ધાવસ્થામાં ગાંધીજીએ બ્રહ્મચર્યનો પ્રયોગ કરવા નગ્નાવસ્થામાં સૂવાનો પ્રયોગ કર્યો હતો. પૂર્વ પીએમ વાજપેયી, સોશિયાલિસ્ટ નેતા રામમનોહર લોહિયા અને જ્યોર્જ ફર્નાન્ડીઝનાં પણ અંગત જીવન હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter