કેરળના સૌથી જૂના તહેવાર થ્રિસુર પૂરમની શાનદાર ઉજવણી

Saturday 21st May 2022 06:52 EDT
 
 

કેરળના સૌથી જૂના ટેમ્પલ ફેસ્ટિવલ થ્રિસુર પુરમની વડકુન્નાથન મંદિર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. એપ્રિલ-મેમાં આવતાં મલયાલમ મહિના મેદમમાં થ્રિસુર પૂરમની ઉજવણી થાય છે. આ વર્ષે દસમી મેના રોજ ઉજવાયેલા પૂરમને ભારતભરમાં સૌથી મોટા અને બધા પૂરમમાં સૌથી પ્રખ્યાત પૂરમ માનવામાં આવે છે. આ તહેવારનો પ્રારંભ કોચીનમાં 1790થી 1805માં સકથાન થમ્પુરમ રાજાએ કરાવ્યો હતો. બસ તે સમયથી આ તહેવાર નિયમિત રીતે દર વર્ષે યોજાય છે. દસ મંદિરો - પરમેક્કવુ, થિરુવમ્બડી કનિમાંગલમ્, કરમુક્કુ, લલ્લૂર, ચોરાકોટ્ટુકરા, પણામુક્કમપલ્લી, અય્યાનથોલ, ચેમ્બુકવુ અને નેયથિલાકવુ દ્વારા ભેગા મળીને એકમેકના સહયોગમં આ તહેવાર ઉજવાય છે..
આ તહેવારની કેટલીક લાક્ષણિકતાઓમાં જોઈએ તો થ્રિસૂર પૂરમનો પ્રારંભ ધજા ફરકાવવા (કોડિયેટ્ટમ)ની વિધિ સાથે થાય છે. તહેવારના સાત દિવસ પહેલાં મંદિરો ધજા ચડાવવામાં આવે છે. થ્રિસૂર પૂરમમાં હાથીઓની અત્યંત મહત્ત્વની ભૂમિકા હોય છે. હાથીને નેટ્ટિપટ્ટમ (ડેકોરેટિવ ગોલ્ડન હેડ્રેસ) ઉપરાંત ડેકેરોટિવ બેલ્સ અને ઘરેણાંથી સજાવવામાં આવે છે. મુખ્ય પૂરમ તહેવારમાં 30 હાથી ભાગ લે છે, જ્યારે બીજા 60થી 70 હાથી ઉજવણીમાં જોડાતા મંદિરોમાં નાની પૂરમ વખતે દર વખતે ભાગ લે છે. આ દરમિયાન પૂરા વિલમ્બરમ નામની વિધિ કરાય છે, તેમાં હાથીને ઘરેણાં વડે શણગારીને પછી તેને વડક્કુનન્થન્ મંદિરના દક્ષિણ દરવાજાના પ્રવેશદ્વારે લઈ જવાય છે. આ સમયે તેના પર નેઈથિલાક્કવિલામ્માની મૂર્તિ તેના પર બિરાજમાન હોય છે. પૂરમની ધજા ચઢ્યાના ચોથા દિવસે વેદિકેટ્ટુ યોજાય છે. જ્યારે વિધિ પૂરમના મુખ્ય દિવસે યોજાય છે. વહેલી સવારે કનિમંગલમ સસ્થાવુ ઈઝુનેલ્લિપુની વિધિ સાથે મુખ્ય તહેવારનો પ્રારંભ થાય છે. તેના પછી બીજા છ મંદિરોમાં આ વિધિ થાય છે. આ પૂરમ વિધિ એક જ દિવસની હોવા છતાં પણ તેને જોવા માટે સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ મોટા સંખ્યામાં ઉમટી પડે છે. થ્રિસૂર પૂરમની બીજી એક લાક્ષણિકતા મદલમ્, એડક્કા, થિમિલા, ચેનડા અને કોમ્બુ જેવા પરંપરાગત સંગીત વાદ્ય છે. આ હિંદુ તહેવાર હોવા છતાં પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ આ તહેવારમાં વિવિધ રીતે મોટા પાયા પર સામેલ થાય છે. 200થી પણ વધારે કલાકારો મદાથિલ વરાવુમાં ભાગ લે છે. પૂરમના અંતિમ દિવસે એટલે કે સાતમા દિવસે પકલ પૂરમ કહેવાય છે. પૂરમની ઉજવણી પૂરી થવાના ભાગરૂપે થિરુવમ્બાડી શ્રી કૃષ્ણ મંદિર અને પરમેક્કવુ ભગવથી ટેમ્પલથી મૂર્તિઓને સ્વરાજ ગ્રાઉન્ડ સ્થિત સંલગ્ન મંદિરમાં લઈ જવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter