તિરુવનંતપુરમ્ઃ કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન એલડીએફે ૧૪૦માંથી ૯૧ બેઠક પર વિજય હાંસલ કર્યાના એક દિવસ બાદ ભારતીય સામ્યવાદી માર્કસવાદી પાર્ટી (સીપીએમ)એ મુખ્ય પ્રધાન પદ માટે પોલિટબ્યૂરોના સભ્ય પિનારાયી વિજયનનું નામ જાહેર કર્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં સીપીઆઇ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્ય પ્રધાન વી. એસ. અચ્યુતાનંદની ઉંમરને ધ્યાનમાં રાખતાં વિજયનની મુખ્ય પ્રધાનપદ માટે પસંદગી કરાઈ છે. અચ્યુતાનંદની ૯૨ વર્ષના છે જ્યારે વિજયન્ ૭૨ વર્ષના છે.
પરિણામો જાહેર થયાના બીજા દિવસે ૨૦ મેના રોજ દિલ્હીથી આવેલા સીતારામ યેચુરી અને પ્રકાશ કરાતનાં નેતૃત્વમાં રાજ્યના સચિવાલય ખાતે મળેલી બેઠકમાં વિજયનનાં નામ પર મહોર મરાઈ હતી. જોકે વિજયનની પસંદગીથી અચ્યુતાનંદ નારાજ થયા હતા અને બેઠકમાંથી અધવચ્ચે ઊઠીને ચાલ્યા ગયા હતા. પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ કેરળના સીપીઆઇ (એમ) એકમમાં મુખ્ય પ્રધાનની પસંદગીના મુદ્દે ભંગાણ સર્જાયું છે. અચ્યુતાનંદ વિજયનની પસંદગીથી ખુશ નથી, કારણ કે રાજ્યમાં તેઓ પક્ષના સ્ટાર પ્રચારક રહ્યા હતા અને પક્ષને વિજય અપાવવા માટે સમગ્ર પ્રચારનો બોજો પોતાના ખભે ઉપાડી લીધો હતો.
વિજયન્ અને અચ્યુતાનંદ જૂના પ્રતિસ્પર્ધી
વિજયન્ અને અચ્યુતાનંદ વચ્ચે લાંબા સમયથી રાજકીય દ્વંદ્વ ચાલતું રહ્યું છે. કેરળ સીપીઆઇ (એમ)માં વિજયન્ અને અચ્યુતાનંદ વચ્ચે ચાલતી ખેંચતાણને પગલે ૨૦૦૬માં બંનેમાંથી કોઇને પક્ષની ટિકિટ અપાઈ નહોતી. પાછળથી ઉગ્ર વિરોધ થતાં પક્ષે અચ્યુતાનંદને ટિકિટ આપી હતી. અગાઉ બંને નેતાઓને પાર્ટીના પોલિટબ્યૂરોમાંથી હટાવી લેવાયા હતા. આ પછી વિજયનને પોલિટબ્યુરોમાં સ્થાન અપાયું હતું, જ્યારે અચ્યુતાનંદને વિઝિટિંગ મેમ્બરનો જ હોદ્દો અપાયો હતો. બીજી તરફ, કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધનનો કારમો પરાજય થતાં મુખ્ય પ્રધાન ઓમેન ચાન્ડીએ રાજ્યપાલ નિવૃત્ત જસ્ટિસ પી. સદાશિવમને રાજીનામું સોંપી દીધું હતું.