નવી દિલ્હીઃ સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાના આરોપમાં ઘેરાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એક વાર ગંભીર આરોપો લગાવ્યા છે. દુબેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, થોડા પૈસા માટે સાંસદ મોઇત્રાએ દેશની સુરક્ષા ગિરવે મૂકી છે. સાંસદ મહુઆ મોઇત્રાનું આઇડી દુબઈથી ખોલવામાં આવ્યું હતું પણ તે વખતે સાંસદ મોઇત્રા ભારતમાં હતાં. નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર પર ભારત સરકારનાં મહત્ત્વનાં આઇડી પણ છે. પીએમ મોદી, નાણાવિભાગ, કેન્દ્રીય તપાસ સંસ્થાઓનાં આઇડી પણ એક્ટિવ છે. દેશની સુરક્ષા સામે ખતરો સર્જાયો છે, ત્યારે ટીએમસી અને અન્ય વિપક્ષો હજી રાજકારણ રમી રહ્યા છે.
હવે નિર્ણય જનતાએ લેવાનો છે. એનઆઇસી દ્વારા આ ઘટનાની માહિતી તપાસ સંસ્થાઓને સોંપવામાં આવી છે. લોકસભાની એથિક્સ કમિટી દ્વારા આ કેસની 26 ઓક્ટોબરે તપાસ કરવામાં આવશે. નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપો લગાવ્યા હતા તે બિઝનેસમેન દર્શન હીરાનંદાનીએ 19 ઓક્ટોબરે એક પત્ર લખીને મહુઆ મોઇત્રાનું આઇડી લોગઇન ખોલ્યાનું કબૂલ્યું હતું.