ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈનના સિંહસ્થ મહાકુંભમાં અત્યાર સુધીનું સૌથી મોટું હાઈટેક આયોજન થયું છે. ૨૨ એપ્રિલથી શરૂ થઈ રહેલા કુંભમાં સંતોને પંડાલ શોધવાથી લઈ પાર્કિંગ સુધીની વિગત મોબાઈલ પર ઉલબ્ધ હશે. આ વખતે મેળામાં એવી સુવિધા મળશે જે સંભવતઃ અત્યાર સુધી હરિદ્વાર, અલ્હાબાદ કે નાસિકના કુંભમાં નહોતી. લગભગ ૩૫ કિલોમીટરના વિસ્તારમાં યોજાનારા મહાકુંભના ખૂણેખૂણાનું જીઆઇએસ મેપિંગ થશે. આ માટે અલગથી વેબસાઇટ અને એપ બનાવાઈ છે. ૨૧મે સુધી ચાલનારા આ મેળામાં લગભગ પાંચ કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેમ મનાય છે. પ્રથમ વાર સિંહસ્થમાં કેશલેસ અને પેપરલેસ સુવિધા હશે.
હશે હાઈટેક મહાકુંભ
• કેશલેશ મેળોઃ લોકો મેળામાં પૈસા લઈને નહીં ફરે તો પણ ચાલશે. ૭૦ એટીએમ અને ૩૦૦ બેન્ક અધિકારી ત્યાં હશે. દુકાનોમાં પણ કાર્ડ ચાલશે. દાન પણ કાર્ડ દ્વારા આપી શકાશે. સ્ટેટ બેન્ક અને બેન્ક ઓફ બરોડા સિંહસ્થ ડેબિટ કાર્ડ લાવી રહ્યાં છે.
• ગંદકીના ફોટા પાડોઃ મેળામાં ગંદકી કે શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેનો ફોટો લઈ સિંહસ્થ એપ કે વેબસાઇટ પર મૂકી દો. તરત જ જે-તે વિસ્તારના સંબંધિત કર્મચારીને તેની માહિતી મળશે. મેળામાં પોલિથીન પર પ્રતિબંધ હશે.
• વીજળીના થાંભલા લેન્ડમાર્કઃ મેળાના વિસ્તારમાં ૧૦ હજાર જેટલા વીજળીના થાંભલા છે. તમામને યુનિક નંબર અપાઈ રહ્યા છે. તે જીઆઇએસ મેપિંગ પર હશે. તેથી કોઈ ગુમ થાય કે દુર્ઘટના સર્જાય તો થાંભલાનું લોકેશન કામ લાગશે.
• હજારો સ્વીસ કોટેજઃ મેળામાં ચાર હજાર પંડાલ હશે. તેમાં શ્રદ્ધાળુઓને રહેવા માટે સામાન્ય કોટેજ ઉપરાંત એસી સ્વીસ કોટેજ પણ હશે. ૨૦૦૦થી વધુ એસી કોટેજ હશે. જેથી લોકોને સુવિધા પણ મળી શકે.
• પાર્કિંગનું સરનામુંઃ ઉજ્જૈનથી ૩૦ કિ.મી. દૂર ડિજિટલ ડિસ્પ્લે પર તમને પાર્કિંગની જગ્યા અને તે ખાલી છે કે કેમ તેની માહિતી મળી જશે. પાર્કિંગ માટે પણ એક એપ બનાવાઈ છે. તેના દ્વારા પાર્કિંગ શોધવું સરળ હશે.
• પેનિક બટનથી મદદઃ દુર્ઘટના અથવા આગ લાગવાની સ્થિતિમાં જો મોબાઈલ એપનું પેનિક બટન દબાવ્યું હશે. તો પોલીસ, ફાયર બ્રિગેડ અથવા તબીબી સેવા માટે તે યુઝરનું જીપીએસ લોકેશન શોધીને મદદ પહોંચી જશે.