નવી દિલ્હીઃ ભાજપ સાથે હાથ મિલાવીને રાજકીય કટોકટી સર્જનાર ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય બહુગુણા સહિતના કોંગ્રેસના ૯ બળવાખોર ધારાસભ્યો ૧૮મી મેએ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. ઉત્તરાખંડ વિધાનસભામા કોંગ્રેસે વિશ્વાસ મત જીતી લેતાં આ ૯ ધારાસભ્યોના ભવિષ્ય સામે પ્રશ્રો ઉભા થયા હતા.
કોંગ્રેસે આ ૯ ધારાસભ્યોનું સભ્યપદ પક્ષ બદલવાના કારણે રદ કરી દેતા તેઓ ઉત્તરાખંડ વિધાનસભામાં થયેલા વિશ્વાસ મતમાં પોતાના મત આપી શક્યા ન હતાં. ભાજપના કેન્દ્રીય અને તથા ઉત્તરાખંડના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં આ ૯ બળવાખોર ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ દરમિયાન સીબીઆઇએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરિશ રાવત વિરુદ્ધના સ્ટિંગ ઓપરેશનની તપાસ કરવા રદ કરવાના ઉત્તરાખંડ સરકારના નોટિફિકેશનને ફગાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ૧૫મી મેએ ઉત્તરાખંડ કેબિનેટની મળેલી બેઠકમાં હરિશ રાવત વિરુદ્ધના સ્ટિંગ ઓપરેશનની સીબીઆઇ તપાસ કરાવવાની ભલામણ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.