દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં હવે પક્ષમાં આંતરકલહ બહાર આવ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય સૂત્રધાર બનેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજય માકનને નિશાન બનાવ્યા છે. શીલા દીક્ષિતે કહ્યુ, અજય માકન પર મને દયા આવે છે. ચૂંટણીમાં તેમનું ધ્યાન જ નહોતું. તે વિચારતા કે બધું એકલા જ કરી લેશે. તેમણે અન્ય કોઈને પોતાની સાથે જોડ્યા જ નહીં. તેમની આ પદ્ધતિથી પક્ષને કોઈ લાભ ન થયો. શીલા દીક્ષિતના આ વલણ પછી થોડા જ કલાક બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કર્યો. બે નેતાઓને આ રીતે લડતા જોઇ સોનિયાએ તેમને ઠપકો પણ આપ્યો હતો.
૨૫ વર્ષની નોકરીમાં ૨૧ વર્ષ સુધી રજા માણી!ઃ સરકારી શાળાઓમાં શિક્ષકોનું ગુમ રહેવું સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચાર શિક્ષકોએ તો રેકોર્ડ જ તોડ્યો છે. એક શિક્ષકે તો પોતાની ૨૫ વર્ષની નોકરીમાં ૨૧ વર્ષ આવ્યા જ નથી. આવી ઘટનાથી નારાજ શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ખાતાકીય તપાસમાં આ ચાર શિક્ષકો દોષિત સાબિત થતા તેમને બરતરફીની નોટિસ આપવામાં આવી છે. શિક્ષકોને સાત દિવસમાં ખુલાસો કરવો પડશે. જો એવું નહીં થાય તો તેમને કાઢી મૂકાશે અને તેમના પેન્શન તેમ જ બાકી રૂપિયા નહીં મળે.
અણ્ણા ફરી મેદાનમાં, ૨૪મીએ દિલ્હીમાં આંદોલનઃ સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૨૪ ફેબુઆરીએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરશે. ગાંધીવાદી વિચારસરણી ધરાવનારા અણ્ણા પાટનગરમાં ખેડૂતોની સભાને સંબોધીને તાજેતરમાં સરકારે પસાર કરેલા ભૂમિ અધિગ્રહણ કાનૂનનો વિરોધ કરશે. આ સભામાં ભારતભરની આશરે ૧૦ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આમ આદમી પાર્ટી અને નર્મદા યોજના વિરોધી મેધા પાટકર પણ આ રેલીમાં ભાગ લે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ‘આપ’ના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ‘જો અણ્ણા હઝારે કોઈ પણ સામાજિક આંદોલન કરશે તો અમારો પક્ષ તેને સંપૂર્ણ ટેકો આપશે.
સમર્થ ભારત માટે હિન્દુઓ એક થાયઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે સમર્થ અને સશક્ત ભારતના નિર્માણ માટે હિન્દુઓને આંતરિકના મતભેદો ભૂલીને હિન્દુઓને એક થવાનો અનુરોધ કર્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ખરગોનમાં નર્મદા નદીના કિનારે ઐતિહાસિક મહેશ્વર શહેરમાં ‘નર્મદા હિન્દુ સંગમ’ને સંબોધતાં ભાગવતે આવું નિવેદન આપ્યું હતું.
૧૯૮૪નાં રમખાણોની ફરી તપાસ થશેઃ ભારત સરકારે વર્ષ ૧૯૮૪ના બહુચર્ચિત શીખ વિરોધી રમખાણોની ફરી તપાસ માટે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટ)ની રચના કરી છે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ રીને છ માસમાં અહેવાલ માગ્યો છે. ત્રણ સભ્યોની એસઆઇટીમાં એક ન્યાયિક અધિકારી અને બે ઇન્સ્પેક્ટર જનરલ કક્ષાના આઈપીએસ અધિકારી હશે. સરકારે હજી તેમનાં નામ નથી જણાવ્યાં. એસઆઇટીની ભલામણ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ જી. પી. માથુરની અધ્યક્ષતા હેઠળની સમિતિએ ગત મહિને કરી હતી. આ રમખાણોમાં ત્રણ હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા હતા.
‘આપ’ અને કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસઃ ઇન્કમટેક્સ વિભાગે આમઆદમી પાર્ટી (આપ)ને બનાવટી કંપનીઓ પાસેથી દાનન લેવાના મુદ્દે નોટિસ પાઠવી છે. દિલ્હી વિધાનસભાનાં ચૂંટણી પરિણામો અગાઉ ‘આવામ’ નામની સ્વૈચ્છિક સંસ્થાએ આરોપ મુક્યો હતો ‘આપ’ એ જુદીજુદી ચાર બનાવટી કંપનીઓ પાસેથી રૂ. બે કરોડનું દાન લીધું છે. આવી જ એક નોટિસ કોંગ્રેસને પણ મળી છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, રાજકીય બદલો લેવા તેમને આ નોટિસ પાઠવવામાં આવી છે