ભોપાલઃ કોંગ્રેસે વડા પ્રધાન વિરુદ્ધ કરેલા ઉચ્ચારણોનો નરેન્દ્ર મોદીએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.નરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બરે ભોપાલમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કાળા નાણાં વિરુદ્ધ લીધેલાં પગલાંઓને કારણે ‘હવાલાબાજો’ના પગ તળેથી જમીન સરકી ગઈ છે. આ હવાલાબાજો હવે અમારી પાસે હિસાબ માગી રહ્યા છે. ભોપાલમાં વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ધાટન કરવા પહોંચેલા મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ તેમના પર સંસદનું સત્ર ન ચાલવા દેવાનો આરોપ મુકીને કહ્યું હતું કે, હવાલાબાજોની જમાતે લોકતંત્રમાં અડચણો નાખવાના પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ પોતાની ભૂલોમાંથી શીખ મેળવવાની પ્રયાસ કરી નથી રહી માટે તે ૪૦૦ બેઠકો પરથી ૪૦ બેઠકો પર પહોંચી છે. ૧૯૮૪માં અમારા બે જ સાંસદ હતા ત્યારે રાજીવ ગાંધી અમારી ઓછી સંખ્યાની મજાક ઊડાવતા પરંતુ અમે અમારી ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો અને અમને સફળતા મળી. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને હવાબાજીની સરકાર અને પીએમ મોદીને હવાબાજ કહ્યા હતા.