નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. એક નાનકડા પોંડિચેરીને બાદ કરવામાં આવે તો તમામ રાજ્યોમાં દેશની આ સૌથી જૂની ગણાતી પાર્ટીને ગણનાપાત્ર સ્થાન મળ્યું નથી. હવે પોંડિચેરી ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રહી છે. એમાં કર્ણાટકને બાદ કરતાં એક પણ રાજ્ય મોટું નથી.
પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે ગઠબંધન અને કેરળમાં એ લોકો સામે સ્પર્ધા કોંગ્રેસને ફળી નથી. બિહારમાં મળેલા વિજયનો આનંદ થોડો વખત ચાલ્યો છે. સમગ્ર માહોલ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ દેશની જનતાથી દૂર થઈ રહી છે. તેની નીતિઓ અને કામ કરવાની પદ્ધતિ લોકોને માફક આવતી નથી. કોંગ્રેસ બાહ્ય પરિબળોના આક્રમણથી પીડાઈ રહી છે તો આંતરિક મુશ્કેલીઓ પણ તેનો ભોગ લઈ રહી છે.