મુંબઇઃ દેશમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક, સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકે શનિવારે રાજીનામું આપી દીધું છે. જોકે, તેમનો કાર્યકાળ 31ડિસેમ્બર 2023ના રોજ પૂરો થઇ રહ્યો હતો. તેમની જગ્યાએ જોઇન્ટ મેને. ડિરેક્ટર દીપક ગુપ્તાને કામચલાઉ સીઇઓ-એમડીને ચાર્જ સોંપાયો છે. ઉદયને બે પુત્રો જય (33) અન ધવલ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવેલા હસ્તલિખિત રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું છેઃ મેં 38 વર્ષ પહેલાં મુંબઇ કોર્ટમાં 300 ચોરસ ફૂટ જગ્યામાં 3 કર્મચારીઓ સાથે કોટક મહિન્દ્રની શરૂઆત કરી હતી. આજે સમગ્ર દેશમાં તેમજ ૫ અન્ય દેશોમાં અમારી પાસે એક લાખથી વધુ કર્મચારીઓ છે.
ઉદયે ગત દિવસોમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે 1985માં બેન્કમાં રોકવામાં આવેલા 10 હજાર રૂપિયાનું મૂલ્ય આજે 300 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.
ઉદયના જણાવ્યા પ્રમાણે લાંબા સમય અગાઉ મેં જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્સ જેવા નામોનો ફાયનાન્સિયલ વર્લ્ડ પર વર્ચસ્વ જમાવતા જોયા છે. ત્યારે ભારતમાં પણ આવી સંસ્થા બનાવવાનું સપનું હતું. આ સપના સાથે જ કોટક મહિન્દ્રાની શરૂઆત કરી હતી. સમૂહમાં ઉત્તરાધિકારીની પસંદગી માટે બેન્ક સ્વિત્ઝર્લેન્ડની સલાહકાર ફર્મ ઇંગોન જેન્ડરની મદદ લઇ રહી છે. આરબીઆઇ દ્વારા પણ બેન્કને સલાહ આપવામાં આવી છે કે બહારની કોઈ વ્યક્તિની ઉત્તરાધિકારી તરીકે પસંદગી કરવામાં આવે.