નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કોલસા કૌભાંડ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડાને ચાર-ચાર વર્ષ જેલની સજા ફરમાવી છે. સજા જાહેર થતાં જ બન્નેને કસ્ટડીમાં લેવાયા હતા. છત્તીસગઢમાં કોલ બ્લોક ફાળવણી સાથે સંકળાયેલા આ કૌભાંડમાં કોર્ટે પિતા-પુત્રને 15-15 લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં જેએલડી યવતમાલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર મનોજકુમાર જયસ્વાલને પણ 4 વર્ષની જેલ અને 15 લાખ રૂપિયા દંડની સજા કરાઈ છે જ્યારે પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને ત્રણ વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડ ફટકારાયો છે.
છત્તીસગઢમાં કોલસા બ્લોક ફાળવણીમાં ગેરરીતિઓના આ કેસમાં સ્પેશિયલ જજ સંજય બંસલે ગત 13 જુલાઈએ વિજય દરડા અને દેવેન્દ્ર દરડા, મનોજકુમાર જયસ્વાલ, એચ.સી. ગુપ્તા ઉપરાંત બે વરિષ્ઠ અધિકારીઓ - કે.એસ. ક્રોફા અને કે.સી. સામરિયા સહિત સાત આરોપીને આઇપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા.