તિરુવનંતપુરમ્ઃ કાળઝાળ ગરમીથી શેકાઇ રહેલા ભારતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. દક્ષિણ કેરળમાં બુધવારે નૈઋત્યનું (દક્ષિણ-પશ્ચિમી) ચોમાસું આવી પહોંચ્યું હોવાની ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે. સામાન્ય રીતે અહીં પહેલી જૂને ચોમાસું પહોંચી જાય છે, પરંતુ હવામાન વિભાગે આ વખતે નવમી જૂને પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. આમ અનુમાન કરતાં ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૫ જુલાઈ સુધીમાં દેશના લગભગ તમામ ભાગોમાં ચોમાસું પહોંચી જશે. ચોમાસું આગામી ચારેક દિવસમાં મહારાષ્ટ્રમાં અને ૧૫-૨૦ જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી જવા સંભાવના છે. રાજસ્થાનમાં મોનસૂન ૨૦થી ૨૨ જૂન દરમિયાન પહોંચી જશે. રાહતની વાત એ છે કે મધ્ય અને પૂર્વ ભારતમાં ચોમાસું સમય કરતાં વહેલું પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
સાત દિવસના વિલંબ બાદ ભારતમાં નૈઋત્યનાં ચોમાસાએ કેરળમાં સત્તાવાર દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે કેરળમાં ચોમાસાના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી હતી. ચોમાસાના પ્રારંભે જ કેરળમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તિરુવનંતપુરમ્ ખાતેની હવામાન વિભાગની કચેરીના વડા કે. સંતોષે જણાવ્યું હતું કે, કેરળ અને લક્ષદ્વીપમાં ચોમાસું બેસી ગયું છે. તામિલનાડુના મોટા ભાગના વિસ્તારો, દક્ષિણ કર્ણાટકના કેટલાક અંતરિયાળ વિસ્તારો અને બંગાળની ખાડીના દક્ષિણના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. કેરળના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી રાતથી ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
ઈડુક્કી જિલ્લામાં ભારે વરસાદને કારણે જમીનો ધસી પડતાં ૩૬ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું. મકાન પર શિલાઓ પડવાને કારણે જોબી જ્હોનનું મૃત્યુ થયું હતું અને તેની માતાને ગંભીર ઈજા પહોંચી હતી.
કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રારંભ માટે ત્રણ માપદંડ પૂરા થવા જોઇએ જે ૮મી જૂનના રોજ પૂરા થયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું કેરળ અને તામિલનાડુના મોટા ભાગના વિસ્તારો તથા માલદિવ્સ કોમોરિન એરિયા અને દક્ષિણ અરબ સાગરમાં આગળ વધી રહ્યું છે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, કેરળમાં ૭ જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે ત્યારબાદ આગાહી બદલીને ૯ જૂન કરાઈ હતી. સામાન્ય રીતે કેરળમાં ૧ જૂનથી ચોમાસાનો પ્રારંભ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે ૭ દિવસ મોડી શરૂઆત થઈ છે. હવામાન વિભાગના ડિરેક્ટર બી. પી. યાદવે જણાવ્યું હતું કે, ચોમાસામાં એક સપ્તાહના વિલંબ છતાં ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.
૧૦૯ ટકા વરસાદની સંભાવના
સ્કાયમેટના જી. પી. શર્માએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ વર્ષે સરેરાશથી વધુ વરસાદ થશે. અગાઉ અમે ૧૦૫ ટકાની આગાહી કરી હતી, પરંતુ હવે ૧૦૯ ટકા વરસાદની સંભાવના છે.
ગયા વર્ષે નબળાં ચોમાસાથી ૧૦ રાજ્યોમાં દુકાળ
૨૦૧૫માં નબળાં ચોમાસાને કારણે દેશનાં ૧૦ રાજ્યોમાં કારમો દુકાળ પડયો હતો. પાણીની તીવ્ર અછતથી ૩૩ કરોડ લોકો પ્રભાવિત થયાં હતાં.
અલબત્ત, કેરળમાં ચોમાસાના પ્રારંભ છતાં ઉત્તર ભારતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતના મહત્તમ તાપમાનમાં હાલ કોઇ બદલાવ થવાનો નથી. હાલ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે.
આગાહી માટે ભારત સુપર કમ્પ્યૂટર ખરીદશે
હવામાન અને ચોમાસાની નિશ્ચિત આગાહી માટે ભારતીય હવામાન વિભાગ ૬૦ મિલિયન ડોલર એટલે કે ૪૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે સુપર કમ્પ્યુટર ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ કમ્પ્યુટર હાલ ઉપલબ્ધ મશીનરી કરતાં ૧૦ ગણી ઝડપે કામ કરશે.