મુંબઇઃ તાતા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને મંગળવારે વરલી સ્મશાનગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રા વાલકેશ્વરસ્થિત સી-ફેસિંગ મેન્શનથી વરલી સ્મશાનગૃહે પહોંચી હતી. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પારસી રિવાજ અનુસાર કરાયા હતા. પ્રાર્થનાસભામાં ગાયત્રી મંત્ર અને ગોવિંદ ગોપાલનાં ભજનો ગાવામાં આવ્યાં હતાં. રિલાયન્સ જૂથના આકાશ અંબાણી, એચડીએફસી ગ્રૂપના ચેરમેન દીપક પારેખ, એનસીપી નેતા સુપ્રિયા સુલે સહિતના અગ્રણીઓ સાયરસ મિસ્ત્રીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.
તાતા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી અગિયારીએથી પરત ફરી રહ્યા હતા. સાયરસ તેમના ખાસ મિત્ર દરિયસના પિતાની સ્મૃતિમાં ઉદવાડા અગિયારી ખાતે યોજાયેલી પ્રાર્થના-સભામાં હાજરી આપવા નવસારી ગયા હતા.
54 વર્ષીય મિસ્ત્રીની મર્સિડીઝ કાર મહારાષ્ટ્રના પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મિસ્ત્રી અને તેના મિત્ર જહાંગીર પંડોલે (49)નાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે કાર ચલાવતાં રહેલાં મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દરિયસ પંડોલેને ગંભીર ઇજા થઇ છે. દરિયસ જેએમ ફાઇનાન્શિયલના સીઇઓ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાયરસ નવસારી પાસે ઉદવાડામાં દર્શન કરીને મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ મુંબઈ હાઇવે પર સૂર્યા નદીના પુલ પર દુર્ઘટના સર્જાઈ હતી. જાણ થતાં જ તમામ ઘાયલોને કાસા હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં મિસ્ત્રી અને અન્ય એકને મૃત જાહેર કરાયા હતા જ્યારે અન્ય બેની સારવાર ચાલે છે.
સાયરસની કાર પૂરઝડપે દોડતી હતી
લક્ઝરી મર્સિડીઝ કાર કે જેમાં સાયરસ મિસ્ત્રી પ્રવાસ કરતા હતા તે લગભગ 134 કિમી પ્રતિ કલાકની ઝડપે જઇ રહી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ખૂલ્યું છે. વળી તેમણે સીટબેલ્ટ પણ બાંધ્યો નહોતો. કારે રવિવારે બપોરે 2.21 કલાકે ચારૌટીની ચેકપોસ્ટ પાર કરી હતી. અકસ્માત સ્થળ અહીંથી 20 કિમી દૂર છે. મર્સિડીઝ કારે માત્ર 9 મિનિટમાં આ અંતર કાપ્યું હતું.
મલ્ટિટ્રોમાને કારણે સાયરસનું મૃત્યુ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સાયરસને શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તબીબી પરિભાષામાં તેને મલ્ટિટ્રોમા કહેવાય છે, જેના કારણે સાયરસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ અને જહાંગીર પંડોલેનું પોસ્ટમોર્ટમ રવિવારે મોડીરાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું.