ઉજ્જૈનઃ ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૮મીમેએ સવારે ૯ વાગે પર્યટક ઘાટ (ગઉ ઘાટ) પર ક્ષિપ્રાસ્નાન કર્યું હતું અને તે બાદ મહાકાલ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે માત્ર આટલું જ કહ્યું હતું કે, ગુજરાતની ખુશાલી માટે સિંહસ્થ સ્નાન કર્યું અને મહાકાલને પ્રાર્થના કરવા આવી છું.
ગુજરાતનાં મુખ્ય પ્રધાન ૧૭મીએ બપોરે ઉજ્જૈન પહોંચ્યા હતાં, પરંતુ ભીડ વધારે હોવાથી તેમણે ૧૮મીએ સ્નાન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ૧૮મીએ પણ મેળા ક્ષેત્રમાં પણ ભીડ વધુ હોવાથી તેમણે ગઉ ઘાટ પર સ્નાન કર્યું હતું. મહાકાલ મંદિરમાં વીઆઇપી દર્શન નહીં કરીને તેમણે સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ લાઈનમાં ઊભા રહીને લગભગ ૧૧.૦૦ વાગે દર્શન કર્યાં હતાં. તે પછી તેઓ કાળ ભૈરવ મંદિરમાં દર્શન કરીને બપોરે સર્કિટ હાઉસ પરત ફર્યા હતા અને સાંજે ગાંધીનગર રવાના થયાં હતાં. મીડિયા સાથે વાતચીતમાં આનંદીબહેને કહ્યું હતું કે, હું સિંહસ્થમાં ધાર્મિક યાત્રા પર આવી છું અને મહાકાલ બાબાને ગુજરાતની ખુશાલી માટે પ્રાર્થના કરી છે.