ગુજરાતી ઝારા ખાનની સિદ્ધિઃ સૌથી નાની વયે સૌથી વધુ મત મેળવ્યાં

Tuesday 10th May 2016 11:57 EDT
 
 

લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ તાલુકાના અરગામા ગામની મૂળ વતની ઝારા ખાને ચોર્લી ઈસ્ટમાં સૌથી નાની વયે અને સૌથી વધુ મત મેળવી કાઉન્સિલર પદ હાંસલ કરી ઝળહળતી ફતેહ મેળવી છે. ખાન પરિવારની ૨૧ વર્ષીય પુત્રી ઝારાએ ચોર્લી ઈસ્ટ મતક્ષેત્રના લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એના પરિણામમાં ઝારાએ ૧,૧૭૬ મત સાથે ઝળહળતો વિજય મેળવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. બીજા ક્રમે UKIPના ક્રિસ્ટોફર સુઆર્ટને ૩૪૮ મત મળ્યા હતા.

ઝારાએ કહ્યું હતું કે, ‘મારાં માટે આ આશ્ચર્ય છે. મારાં સાથીઓને વિજયની કોઈ શંકા ન હતી પરંતુ તમે ઉમેદવાર હો ત્યારે નર્વસ જ રહો છો. હું ચોર્લી કાઉન્સિલમાં નવા ખ્યાલો અને વિચારો લાવવાં માગું છું. હું યુવા લોકોનું પ્રતિનિધિત્વ કરીશ.’

લેન્કેશાયર ડિસ્ટ્રિક્ટની મહત્ત્વપૂર્ણ ચોર્લી ઈસ્ટ કાઉન્સિલ ખાતે સતત ત્રણ ટર્મથી ચૂંટાતાં મૂળ અરગામાના હસીનાખાન ઝાફરના ૨૧ વર્ષીય પુત્રી ઝારા ખાન લેન્કેશાયર ખાતે નર્સીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રથમ એશિયન મહિલા કાઉન્સિલર તરીકેનો રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર તેની માતા હસીના ખાનના પગલે ચાલતી ઝારાએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

યુ.કે.માં એશિયન અને તેમાંય મૂળ ભારતીયોના રાજકારણમાં સક્રિયતાથી તેમના પરિવારો જ નહિ, સમગ્ર સમાજ અને ભરૂચ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝારાની માતા હસીના ખાનને સતત ત્રણ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવવા બદલ ક્વીન દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter