ભારતના વિવિધ ગામડાંને ઈન્ટરનેટથી જોડવામાં મદદ કરવાની જાહેરાતને વાસ્તવિક બનાવતા દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલે પોતાનો પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના લૂન પ્રોજેક્ટને અમલમાં મૂકવા પ્રાથમિક પરવાનગી આપી છે. ગૂગલના તમામ બલૂન જમીનથી ૨૦ કિમી ઉપર ઊડતા રહેશે. તેઓ ૪૦થી ૮૦ કિ.મી. સુધીના વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૂગલે બીએસએનએલ સાથે જોડાણ કરી લીધું છે. તે બીએસએનએલની મદદથી પોતાના પાઈલટ પ્રોજેક્ટની તપાસ કરશે.
ગૂગલની યોજના
ગૂગલે લૂન પ્રોજેક્ટ અને ડ્રોન બેઝ્ડ પ્રોજેક્ટની પ્રાથમિક રચના કર્યા બાદ પોતાની ભારત સરકાર પાસે લૂન પ્રોજેક્ટ અને ડ્રોન બેઝ્ડ ઈન્ટરનેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે પરવાનગી માગી હતી. સરકારે હાલમાં પાઈલટ બેઝ લૂન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ માટે કંપની દ્વારા ૨.૫ ગીગાહર્ડ્ઝના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરાશે. હાલમાં ગૂગલ માત્ર બલૂનથી ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે. તેના ડ્રોન પ્રોજેક્ટને હાલમાં મંજૂરી અપાઈ નથી. જોકે પ્રોજેક્ટ પર વિચાર બાદ આ પ્રોજેક્ટ હેઠળ ગૂગલના આઠ સોલર પાવર નિર્મિત ડ્રોન ઈન્ટરનેટ ટ્રાન્સમિશનમાં મદદ પૂરી પાડશે.
લૂન પ્રોજેક્ટ
ગૂગલે ચોક્કસ પ્રકારના બલૂન કર્યાં છે જેની સાથે ઈન્ટરનેટ પ્રોવાઈડ કરતાં ડિવાઈસ જોડાશે. ગૂગલ અને સરકાર આ બલૂન માટે ચોક્કસ જગ્યા નક્કી કરશે. આ જગ્યાની ઉપર ૨૦ કિ.મી.ની ઉંચાઈએ બલૂન છોડાશે. ઈન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે તે વાયરલેસ કમ્યુનિકેશન ટેક્નોલોજી અથવા તો ૪જીનો ઉપયોગ કરશે. બલૂનને અને ઈન્ટરનેટ ડિવાઈસને કાર્યરત રાખવા સોલર પેનલ કે વિન્ડ પાવર પેનલનો ઉપયોગ કરાશે. આવા દરેક બલૂન ૪૦થી ૮૦ કિ.મી.ના વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડશે. ગૂગલ ઈન્ડોનેશિયામાં આ પ્રોજેક્ટ ચલાવે છે જેને સફળતા પણ મળી છે. તે ઉપરાંત અમેરિકા, બ્રાઝિલ અને ન્યૂ ઝીલેન્ડમાં પણ પાઈલટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
ભારતને સસ્તામાં સિદ્ધપુરની યાત્રા
- ગૂગલના આ પ્રોજેક્ટથી ભારત સરકારને સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જેવું થશે. ગૂગલના બલૂનથી સસ્તામાં અને ભારે ઉપકરણોની મદદ કે હાજરી વગર ગામડાંમાં સરળતાથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડી શકાશે. ગૂગલે આ ઉપરાંત ભારતના ૫૦૦ રેલવે સ્ટેશનોને ઈન્ટરનેટથી જોડવાની વાત પણ કરી છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના લૂન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
- ગૂગલ સમગ્ર અભિયાનમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે નહીં ટેક્નો. સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરશે.
- માહિતી અને પ્રસારણ વિભાગનું મંત્રાલય ભારતના ગામડાંમાં આ સુવિધા આપવા માગે છે જેથી તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય.
- જે વિસ્તારોમાં મોબાઈલના ટાવર લગાવવાની મુશ્કેલી છે તેવા પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ સેવા મળશે.
આવા હશે બલૂન
- દરેક બલૂન ૨૦ કિ.મી. એટલે કે ૬૦,૦૦૦ ફૂટ ઉપર તરતા મુકાશે.
- બલૂન પોલિથીન પ્લાસ્ટિક શીટમાંથી બનશે. ૧૫ મીટર ગોળાઈ અને ૧૨ મીટર ઊંચાઈ ધરાવતા આ બલૂનને એનવેલપ તરીકે ઓળખાય છે.
- બે વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે ઘણી મુશ્કેલીઓ નડતી હતી. તે સમયે છોડવામાં આવતા બલૂન પાંચ સાત દિવસમાં નીચે આવી જતાં હતા. હવે જે બલૂન બનાવવામાં આવ્યા છે તે ૧૮૭ દિવસ ચાલશે. આ બલૂનને હવામાં છોડતા પહેલાં ૧૪ લોકોની જરૂર પડતી હતી. હવે ઓટોમેટેડ ક્રેન દ્વારા દર પંદર મિનિટે એક બલૂન હવામાં છોડી શકાય છે.