મુંબઈ: ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ બિશ્નોઇ અમેરિકામાં પકડાઇ ગયો છે. અમેરિકી અધિકારીઓએ થોડા દિવસો પહેલા જ અનમોલ તેમના દેશમાં હોવાની પુષ્ટિ કરી હતી. પછી મુંબઇ પોલીસે અનમોલ બિશ્નોઇના પ્રત્યાર્પણ માટે એક પ્રસ્તાવ મોકલી આપ્યો હતો. અનમોલ બિશ્નોઇ સલમાન ખાનના ઘર બહાર થયેલ ફાયરિંગ અને બાબા સિદ્દીકીની હત્યા સહિત અમૂક હાઇ-પ્રોફાઇલ ગુનાઓમાં આરોપી તરીકે તેનું નામ આપવામાં આવ્યું છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરમાં અનમોલ બિશ્નોઇ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એનઆઇએએ 2022 માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઇ વિરૃદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગયા મહિને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ) કોર્ટમાં એક અરજી દાખલ કરી જણાવ્યું હતું કે તેઓ ભાગેડું ગુનેગાર અનમોલ બિશ્નોઇના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માગે છે.