ગો ફર્સ્ટની નાદારીને પગલે અન્ય એરલાઇન્સનાં એર ફેર આસમાને

Wednesday 10th May 2023 10:10 EDT
 
 

નવી દિલ્હી: વીતેલા સપ્તાહે નાદારી નોંધાવનારી ગો ફર્સ્ટ એરલાઇન્સે અનેક ફ્લાઇટ ઓપરેટ ન કરતાં સેંકડો પ્રવાસી અટવાઈ પડ્યા છે. બીજી તરફ, અન્ય ખાનગી એરલાઇન્સે પણ મોકાનો ગેરલાભ ઉઠાવીને પ્રવાસીઓને લૂંટવાનું નક્કી કર્યું હોય તેમ અમુક રૂટ પરનું એર ફેર બમણું કરી નાંખ્યું છે. સમર વેકેશન શરૂ થયું જ હોવાથી આમ પણ મુસાફરોનો ભારે ધસારો હતો જ, તેમાં ય ગો ફર્સ્ટની કામગીરી ખોરવાતા અન્ય એરલાઇન્સની ટિકિટની ભારે ડિમાન્ડ નીકળી છે. લાંબા પ્રવાસનું આયોજન કરીને હોટેલ બુકિંગ કરાવી ચૂકેલા અનેક પરિવારોના પ્રવાસ આયોજનો ખોરવાઇ ગયા છે.
ગો ફર્સ્ટ એરલાઇન્સના અણઘડ આયોજન સામે પ્રવાસીઓમાં ભારે રોષનું મોજું ફરી વળ્યું છે. મુસાફરોને ફ્લાઇટ રદ થયાની જાણ કરાઈ હોવાના એરલાઇન્સના દાવાથી વિપરિત મુસાફરોને ઠેકઠેકાણે અટવાવું પડ્યું હતું. આ પછી એરલાઇન્સે બુકીંગ કરાવનાર પ્રવાસીઓને ટિકિટના નાણાં પેટે ક્રેડિટ નોટ આપીને આક્રોશ શમાવવા પ્રયાસ કર્યો હતો. જોકે ડીજીસીએ (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) સત્તાવાળાઓએ એરલાઇનને નવા બુકીંગ કરવા સામે મનાઇ ફરમાવીને શોકોઝ નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 26 માર્ચ શરૂ થયેલા અને 28 ઓક્ટોબર સુધી અમલી સમર શિડ્યુલમાં ગો ફર્સ્ટ એરલાઇન્સ દર સપ્તાહે 1,538 ફ્લાઇટ ઓપરેટ કરવાની હતી.
સ્પાઇસજેટ પણ મુશ્કેલીમાં?
અન્ય એરલાઇન્સે આ તકનો લાભ ઉઠાવવા કમર કસી છે. બજેટ કેરિયર સ્પાઇસ જેટે 25 ગ્રાઉન્ડેડ વિમાન ફરી ઉડાડવાની જાહેરાત કરી હતી. એરલાઇન્સે આ વિમાનોના સમારકામ માટે રૂ. 400 કરોડ એકઠા કર્યા છે. આ 25 વિમાનને ઉડાડવા યોગ્ય બનાવવા માટે આકસ્મિક ખર્ચના ભંડોળમાંથી રૂપિયા લીધા છે. મહત્ત્વનું છે કે સ્પાઇસ જેટ પાસે અત્યારે 80 વિમાન છે.
જોકે સ્પાઇસજેટ સામે પણ એક નવી મુશ્કેલી આવી છે. એક લેણદારે કંપનીને ફડચામાં લઇ જવા એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) સમક્ષ અરજી કરી છે. હવે બધાની નજર એનસીએલટીની સુનાવણી પર છે. જો એનસીએલટી લેણદારની અરજી સ્વીકારશે તો સ્પાઇસજેટ માટે પણ ફ્લાઇટ ઓપરેટ કરવાનું મુશ્કેલ બની જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter