નવી દિલ્હીઃ રિંગિંગ બેલ નામની કંપનીએ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન 'ફ્રિડમ-૨૫૧' લોન્ચ કરીને મોબાઇલ ફોનના વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ ફોન લોન્ચ કરનાર કંપની સામે કંઇક ગોટાળો કે કૌભાંડ આચર્યાના આક્ષેપો પણ થઇ રહ્યા છે છતાં રૂ. ૨૫૧નો આ ફોન બુક કરાવવા માટે પડાપડી થઇ રહી છે. કંપનીના સંચાલકોનો દાવો સાચો માનવામાં આવે તો તેમણે બે જ દિવસમાં એક કરોડ ફોનનું બુકીંગ કર્યું છે.
માત્ર રૂ. ૨૫૧ જેટલી સસ્તી કિંમતે કોઈ મોબાઈલ ફોન કેવી રીતે આપી શકે તે સૌના મનમાં પ્રશ્ન છે ત્યારે કંપનીનો દાવો છે કે, અત્યાર સુધીમાં તેને ફોનના એક કરોડ ઓર્ડર મળી ચૂક્યા છે. એટલું જ નહીં, કંપનીએ બુકીંગ માટેના નિયમ પણ બદલી નાંખ્યા છે. ૨૫૧ રૂપિયાની કિંમતના આ ફોન માટે કંપની હવે એડવાન્સ પૈસા નથી લઈ રહી. સૂત્રોના જણાવ્યા મુજબ, ટેલિકોમ મંત્રાલયે આ મામલે કંપની પાસેથી સ્પષ્ટતા પણ માગી છે.
આ વ્યવસાયમાં આવ્યા પહેલા કરિયાણાની દુકાન ચલાવતા રિંગિંગ બેલ્સ કંપનીના માલિક મોહિત ગોયલની આવક અંગે ઇન્કમટેક્સના અધિકારીઓએ તેમના બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે. દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટ ફોનને ખરીદવા થયેલા ધસારાને કારણે શુક્રવારે પણ ૩૦,૦૦૦ બુકીંગ થયા બાદ તેનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. જોકે બીજા દિવસે કંપનીએ સર્વરની સમસ્યા દૂર ફરી બુકિંગ શરૂ કરી દીધું હતું.