નવી દિલ્હીઃ રેમન્ડ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. સિંઘાનિયાના પત્નીએ હવે તેમની પર પોતાની સાથે તેમજ પુત્રી સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. સિંઘાનિયાના પત્ની નવાઝ મોદીએ દાવો કર્યો હતો કે ગૌતમે ગત નવમી સપ્ટેમ્બરના રોજ તેની પર અને તેમની પુત્રી પર શારીરિક હુમલો કર્યો હતો.
નવાઝ મોદીના કહેવા અનુસાર ગૌતમ સિંઘાનિયાએ ત્રણ વાર તેમની પર હુમલો કર્યો હતો, જે પૈકી એક ઘટના સપ્ટેમ્બરની છે. નવાઝ મોદીએ પોતાના પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે પતિ સાથે તૂટેલા સંબંધોના મૂળમાં રહેલા કારણો વિશે વાત કરી હતી. નવાઝે પોતાના લગ્નજીવન વિશે વાત કરી હતી.
નવાઝે કહ્યું હતું કે નવમી સપ્ટેમ્બરે ગૌતમના જન્મદિવસની પાર્ટીના આગલા દિવસે સવારે પાંચ વાગ્યાની આ ઘટના છે. ગૌતમે ત્યારે મારી પુત્રી નિહારિકા અને મને માર માર્યો હતો. આ પછી તે ઓચિંતો ત્યાંથી જતો રહ્યો હતો અને મને લાગ્યું કે તે કદાચ પોતાની બંદૂક કે કોઇ અન્ય હથિયાર લેવા ગયો છે. આથી હું મારી પુત્રીને સુરક્ષિત રીતે ખેંચીને બીજા રૂમમાં લઇ ગઇ હતી. નવાઝે કહ્યું હતું કે મારી બે વાર હર્નિયાની સર્જરી થઇ છે. એક વાર ગર્ભાવસ્થા દરમિયાન અને બીજી વાર એક્ટોપિક પ્રેગ્નેન્સી દરમિયાન જ્યારે મારી ફેલોપિયન ટ્યૂબ કાઢી નાખવામાં આવી હતી ત્યારે મારું ઓપરેશન થયું હતું અને તે વખતે પણ ગૌતમે મને રૂમમાં ઘણી વાર ફેરવી હતી.