નવી દિલ્હીઃ ભારત સરકારના નાણાં મંત્રાલયે જાહેર કરેલા માસિક ઇકોનોમિક રિવ્યૂમાં નિર્દેશ કરાયો હતો કે 2022-23માં ગ્રોથ, ફુગાવો તેમજ એક્સ્ટર્નલ બેલેસનાં ત્રિપાંખિયા મોરચા પર ભારતની સ્થિતિ બે મહિના અગાઉ હતી તેના કરતાં ઘણી સારી અને મજબૂત છે. સરકારની નાણાકીય નીતિ તેમજ વખતોવખત લેવાતાં પગલાં અને રિઝર્વ બેન્કની નાણાકીય નીતિને કારણે દેશની આર્થિક સ્થિતમાં નોંધપાત્ર સુધારો થયો છે. વિશ્વસ્તરે આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવમોરચે જો વધુ કોઈ આંચકા આવે નહીં તો ગ્લોબલ કોમોડિટીનાં ભાવમાં શરૂ થયેલો ઘટાડો ટકી રહેવા ધારણા છે. આગામી મહિનાઓમાં આરબીઆઈનાં નાણાકીય પગલાં તેમજ સરકારની નીતિથી ફુગાવા પરનાં દબાણો ઘટશે અને ફુગાવો અંકુશમાં રહેશે તેવી આશા છે. આર્યન ઓર, કોપર, ટીનનાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેનો લાભ દેશના ઉત્પાદન ક્ષેત્રનો થશે.
આર્થિક વિકાસ દર 7.4 ટકા રહેવા અંદાજ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા 2022-23માં ભારતનો આર્થિક વિકાસ દર 7.4 ટકા રહેવા અંદાજ રજૂ કરાયો છે. જે અન્ય દેશનાં ગ્રોથ રેટ કરતાં ઘણો ઊંચો છે. આરબીઆઈએ ચાલુ વર્ષે 7.2 ટકાનો આર્થિક વિકાસ દર અંદાજ્યો છે. પહેલા 4 મહિનાની કામગીરીનાં સંકેતો આઈએમએફનાં અંદાજને અનુરૂપ છે. જુલાઈમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન વધ્યું છે. આઠ કોર સેક્ટરનો ગ્રોથ મજબૂત થયો છે.