અમદાવાદ, મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે યોજનાનો ભારત સરકારે મુસદ્દો જાહેર કર્યો છે. ઘરમાં કે બેન્કોના લોકર્સમાં પડેલું લોકોનું સોનું ઉત્પાદકીય હેતુસર કામે લગાડવાના આશયથી સરકારે બજેટમાં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી હતી. હવે સરકારે આ યોજનાની ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
ડ્રાફ્ટ સ્કીમ મુજબ નાના ડિપોઝિટરોને પ્રોત્સાહિત કરવા લઘુતમ ૩૦ ગ્રામ વજનની ડિપોઝિટ સૂચિત કરાઇ છે. ઘરેણાં કે લગડી એમ કોઇ પણ સ્વરૂપમાં સોનું ડિપોઝિટ કરી શકાશે. યોજના પ્રમાણે ગ્રાહકે તેમનું સોનું બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત દેશભરના ૩૫૦ હોલમાર્કિંગ સેન્ટરો પાસે ટેસ્ટ કરાવાનું રહેશે. જો ગ્રાહક સંતુષ્ટ હશે તો તેણે બેન્કનું કેવાયસી (નો યોર ક્લાયન્ટ) ફોર્મ ભરીને મેલ્ટિંગની પરવાનગી આપવાની રહેશે. બેંક દ્વારા આ સોનાને મેલ્ટ કરીને પ્યોર ગોલ્ડ પ્રાપ્ત કરાશે. ગ્રાહકને ડિપોઝિટ સર્ટિફિકેટ અપાશે. ગોલ્ડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપવું તે દરેક બેન્ક પોતપોતાની રીતે નક્કી કરશે. આ સ્કીમ લઘુતમ એક વર્ષની રહેશે, બેંક પાકતી મુદતે વ્યાજ અને મુદ્દલની રકમ સોનામાં જ ચૂકવશે.
જોકે ગ્રાહકને સોનું કે પૈસા મેળવવાની પસંદગીનો વિકલ્પ રહેશે, તેણે આ પસંદગી ડિપોઝિટ જમા કરાવતી વખતે કહી દેવાની રહેશે. શક્ય છે કે ગોલ્ડ ડિપોઝિટ સ્કીમના ગ્રાહકને કેપિટલ ગેઇન્સ ટેક્સ, વેલ્થ ટેક્સ અને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ અપાશે.
સરકારને આશા છે કે વ્યક્તિગત અને સંસ્થાગત સોનાના હોલ્ડરો તરફથી આ યોજનામાં સોનું જમા કરાવશે અને આયાતમાં ઘટાડો થશે. ભૌગોલિક વિશાળતા અને વ્યાપક માળખાગત સુવિધા સ્થાપવાની મુશ્કેલી જોતા આરંભમાં આ યોજના પસંદગીના શહેરોમાં જ રજૂ કરાશે. સમયાંતરે એસેઇંગ, મેલ્ટિંગ, રિફાઇનિંગ જેવી માળખાગત સુવિધા સ્થાપિત કરાતા આ યોજના અન્ય શહેરોમાં વિસ્તારાશે.
અગાઉનો અનુભવ
અગાઉ વર્ષ ૧૯૯૯માં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ સરકાર લાવી હતી. જેનો હેતુ દેશમાં ફાજલ કે નિરર્થક સોનાને ઉત્પાદકીય હેતુસર કામે લગાડવાનો હતો. જોકે યોજનાને મોળો પ્રતિભાવ મળ્યો હતો. માત્ર ૧૦ ટન સોનું મળ્યું હતું.. દેશમાં હાલ ૨૨ હજાર ટન સોનું એમ જ પડયું રહ્યું છે. સરકાર તેનો ઉપયોગમાં લઈ સોનાની આયાત પેટે વિદેશમાં તણાઈ જતાં હુંડિયામણને બચાવવા ધારે છે.
ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ વ્યવહારુ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્યામસુંદરમે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમનો ડ્રાફ્ટ વ્યવહારુ છે. જેમની પાસે વધારાના સોનાનો જથ્થો છે એમના માટે આ સ્કીમ આકર્ષક અને ફાયદારૂપ બની રહેશે. એમની એસેટ્સ પ્રોડક્ટિવ બનશે. આ એક યુનિકલી ઇન્ડિયન સ્કીમ બની રહેશે. આ સ્કીમને કારણે અર્થતંત્રને પણ ફાયદો થશે. આ ઉપરાંત સોનાના વેપાર માટે કન્સિસ્ટન્ટ પોલિસીસ ઉપલબ્ધ થશે.