આસામ, પ. બંગાળ, કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં ૪ એપ્રિલથી ૧૬ મે સુધી ૪૨ દિવસની મેરેથોન ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતનાં ચૂંટણીપંચે ત્રીજી માર્ચે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ એમ ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં રાજકીય ધમધમાટનો પ્રારંભ થઈ ગયો છે. ૪ એપ્રિલથી ૧૬ મે સુધી ચાલનારી ૪૨ દિવસની ચૂંટણીપ્રક્રિયામાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપ પ્રાદેશિક પક્ષો સામે ટકરાશે જ્યારે કોંગ્રેસ ગુમાવેલો રાષ્ટ્રીય વ્યાપ વધારવાનો પ્રયાસ કરશે. ૪ એપ્રિલથી વિધાનસભાની કુલ ૮૨૪ બેઠક માટે વિવિધ તબક્કામાં યોજાનારા મતદાનનું પરિણામ ૧૯મી મેના રોજ જાહેર કરાશે. ચૂંટણીપ્રક્રિયામાં ચાર રાજ્યો અને એક યુટીના કુલ ૧૭ કરોડ મતદારો ભાવી રાજ્ય સરકારો પર લોકચુકાદો આપશે. ૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણીનો સામનો કરી રહેલાં પશ્ચિમ બંગાળમાં ૬, આસામમાં બે અને કેરળ, તામિલનાડુ અને પોંડિચેરીમાં એક-એક તબક્કામાં મતદાન યોજાશે.
૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટણીપંચ દ્વારા પહેલીવાર કેટલીક નવી જોગવાઈઓની જાહેરાત કરાઈ છે, તે અંતર્ગત હવે પહેલીવાર નન ઓફ ધ અબોવના વિકલ્પ માટે ઈવીએમમાં ચોકડીનું પ્રતીક રહેશે જેથી મતદારો તેને સહેલાઈથી ઓળખી શકશે, તે ઉપરાંત ઈવીએમ મશીનોમાં પહેલીવાર ઉમેદવારોનાં નામની સામે ફોટો લગાવવામાં આવશે. તામિલનાડુમાં મહિલાઓ માટે અલગ મતદાન મથકો બનાવાશે. દિવ્યાંગો માટે વિશેષ મતદાન મથકો તૈયાર કરાશે.
ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમની જાહેરાત સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી યોજાઈ રહી છે તે રાજ્યોની સરકારો ઉપરાંત કેન્દ્ર સરકાર ચૂંટણીપંચની આગોતરી પરવાનગી વિના કોઈપણ નવી કલ્યાણ યોજનાની જાહેરાત કરી શકશે નહીં. દિલ્હીમાં સત્તામાં સિંહાસન પર બેઠેલા ભાજપ માટે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.
રાજકીય સ્થિતિ
આસામ ગણપરિષદ સાથે ગઠબંધનના મુદ્દે ભાજપમાં ફૂટ પડી છે. રાજ્યમાં પાર્ટીનાં એક જૂથે ટોચનાં નેતૃત્વના આ નિર્ણયથી નારાજ થઇને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે, જેનું નામ તૃણમૂલ બીજેપી રખાયું છે. ભાજપમાંથી બળવો કરનાર નેતાઓની આ પાર્ટી એ તમામ ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે જે આસામ ગણપરિષદને અપાઈ છે. આસામમાં ૧૫ વર્ષથી કોંગ્રેસનું શાસન છે. તાજેતરમાં ભાજપનું જોર આસામમાં વધ્યું છે છતાં વિધાનસભામાં બહુમતી માટે ભાજપની આંખે પાણી આવે તેવી સંભાવના છે.
પશ્ચિમ બંગાળ ડાબેરીઓ અને તૃણમૂલના ગઢમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે કપરી સ્થિતિ છે. કોંગ્રેસ તૃણમૂલને પછડાટ આપવા ડાબેરીઓ સાથે ગઠબંધનની પેરવી કરી રહી છે. અહીં પણ ભાજપે એકલો જાને રે રાગ જ આલાપવો પડશે.
તામિલનાડુમાં જયલલિતાની અન્નાદ્રમુક અત્યારે શક્તિશાળી છે. છતાં ઇતિહાસ કહે છે કે ડીએમકે જયલલિતાને પછડાટ આપવામાં સક્ષમ છે. કોંગ્રેસ અહીં પણ ડીએમકે સાથે હાથ મિલાવવા મંત્રણા કરી રહી છે. ભાજપ અને જયલલિતાને સારા સંબંધો છે પરંતુ ભાજપનું પ્રભુત્વ અમ્મા ક્યારેય મંજૂર નહીં કરે.
કેરળ કોંગ્રેસ અને ડાબેરીઓના આ ગઢમાં પગપેસારો કરવા ભાજપ હવાતિયાં મારી રહ્યો છે, પરંતુ મુખ્ય જંગ તો યુડીએફ અને એલડીએફ વચ્ચે જ લડાવાનો છે. પ્રજાએ ક્યારેય કોઇ સરકારને રિપીટ કરી નથી. જો કે ભાજપની પેંઠ બંને ગઠબંધનો માટે ચિંતા જરૂર ઉપજાવશે.
પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. અહીં તેને ડીએમકે, એઆઇએડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષોનો સામનો કરવાનો છે. અહીં પણ ભાજપ માટે સ્કોપ બહુ ઓછા છે.
જુદાં-જુદાં રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ
આસામમાં બે તબક્કામાં ચૂંટણી
આસામમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કામાં ૪ એપ્રિલે ૬૫ સીટો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૧ એપ્રિલે ૬૧ સીટો માટે મતદાન થશે. આસામમાં કુલ ૧૨૬ વિધાનસભાની સીટો છે જેમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે. ૨૦૧૧નાં પરિણામો બાદ તરુણ ગોગોઈ મુખ્ય પ્રધાન બન્યા હતા. વિધાનસભામાં કોંગ્રેસની ૭૮ સીટો છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની ૧૮, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટની ૧૨, અસોમ ગણ પરિષદની ૧૦ અને અન્ય દળો પાસે ૮ સીટો છે.
પશ્ચિમ બંગમાં છ તબક્કામાં મતદાન
પશ્ચિમ બંગમાં છ તબક્કામાં મતદાન થશે. પહેલો તબક્કો ૪ એપ્રિલે, ત્યાર બાદ ૧૧ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૧ એપ્રિલ, ૨૫ એપ્રિલ, ૩૦ એપ્રિલ અને પાંચ મેએ મતદાન થશે. પશ્ચિમ બંગમાં કુલ ૨૯૪ વિધાનસભાની સીટો છે. ૨૦૧૧ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને ૧૮૪, કોંગ્રેસને ૪૨ અને વામપંથીને ૨૭ સીટો મળી હતી.
તામિલનાડુમાં એક જ દિવસમાં મતદાન
તામિલનાડુમાં ૧૬ મેએ ચૂંટણી થશે. તામિલનાડુમાં કુલ ૨૩૪ વિધાનસભાની સીટો છે. ૨૦૧૧માં થયેલી ચૂંટણી બાદ જયલલિતા મુખ્ય પ્રધાન છે. તામિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ ૧૫૦, દ્રવિડ મુન્નેત્ર કઝઘમ ૨૩, દેસિયા મુર્પોક્કુ દ્રવિડ કઝઘમ ૨૯, કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સિસ્ટ ૧૦ અને બાવીસ અન્ય વિધાનસભ્યો છે.
પોંડીચેરીમાં એક જ દિવસમાં મતદાન
પોંડીચેરીમાં ૧૬ મેએ મતદાન થશે. પોંડીચેરીમાં કુલ ૩૦ વિધાનસભ્યો છે. ૨૦૧૧ની વિધાનસભામાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ ૧૫, કોંગ્રેસ ૭, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ ૫, દ્રવિડ મુન્નેત્ર કઝઘમ બે અને અન્ય ૧ વિધાનસભ્ય છે.
કેરળમાં ૧૬ મેએ મતદાન
કેરળમાં પણ ૧૬ મેએ ચૂંટણી છે. કેરળમાં કુલ ૧૪૦ વિધાનસભાની સીટો છે. ૨૦૧૧ની વિધાનસભામાં અહીં કોંગ્રેસની સરકાર છે જેમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ૭૪, કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સિસ્ટ ૪૫, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા ૧૩, જનતા દળ-સેક્યુલર ૪ અને ૪ અન્ય વિધાનસભ્યો છે.
સલામતી માટે ૭૫,૦૦૦ પેરામિલિટરી સૈનિકો તહેનાત થશે
પશ્ચિમ બંગ, આસામ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં આગામી સમયમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે સલામતી પૂરી પાડવા ૭૫,૦૦૦થી ૮૦,૦૦૦ પેરામિલિટરી સૈનિકો તહેનાત કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહસચિવ રાજીવ મહર્ષિએ કહ્યું હતું કે, લગભગ ૭૫૦થી ૮૦૦ કંપનીઓની માગણી છે કે જે અમે પૂરી પાડીશું. પેરામિલિટરી ફોર્સની એક કંપનીમાં લગભગ ૧૦૦ સૈનિકો હોય છે.