• ભગતસિંહનાં બહેનનું શહીદના જન્મદિને જ નિધનઃ શહીદ ભગતસિંહના એક માત્ર જીવિત બહેનનું રવિવારે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં નિધન થયું હતું. યોગાનુયોગ પ્રકાશ કૌર તેમના ભાઇ ભગતસિંહના ૧૦૭મા જન્મદિને મૃત્યુ પામ્યાં હતાં. ૯૩ વર્ષીય પ્રકાશ કૌર ૧૯૮૦થી કેનેડામાં મોટા પુત્ર રૂપિન્દરસિંહ માલ્હી સાથે રહેતાં હતાં. છેલ્લાં છ વર્ષથી તેઓ લકવાગ્રસ્ત સ્થિતિમાં પથારીવશ હતાં. પુત્ર રૂપિન્દરસિંહે જણાવ્યું હતું કે ૨૮ સપ્ટેમ્બરે બપોરે ૪ કલાકે મારી માતાનું નિધન થયું હતું. પ્રકાશ કૌર તેમના ભાઇ ભગતસિંહને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજો દ્વારા ફાંસીના માંચડે ચડાવી દેવાયાં ત્યારે માંડ ૧૦ વર્ષનાં હતાં. રૂપિન્દરે જણાવ્યું હતું કે ૧૯૮૦માં કેનેડામાં સ્થાયી થયેલા તેમના પિતાનું ૧૫ વર્ષ પહેલાં નિધન થઇ ચૂક્યું છે.
• દૂરદર્શને ફરીથી ભાંગરો વાટયો!ઃ ભૂલો કરવા માટે જાણીતી સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શને ફરીથી વાર ભાંગરો વાટયો હતો. નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા સાથે સંકળાયેલા એક સમાચાર પહેલાં ચેનલ પર મોદીને સ્થાને પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની તસવીરો પ્રસારિત કરાઈ હતી. મોડી સાંજે પ્રસારિત કરાયેલા સમાચારોમાં આ ભૂલ જોવા મળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક બીજા ટાઇમ સ્લોટમાં પણ એ જ વિઝ્યુઅલ્સ પ્રસારિત કરાયા હતા. આ પહેલાં પણ દૂરદર્શને ભાંગરો વાટયો હતો, થોડા દિવસ પહેલાં દૂરદર્શનની એક સમાચારવાચકે ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્થાને ઇલેવન જિનપિંગનો ઉચ્ચાર કર્યો હતો. જિનપિંગના પહેલા નામ શીને તે રોમન આંકડાનો અગિયાર સમજી હતી. કાશ્મીરના પૂરનું રિર્પોટિંગ કરતો સંવાદદાતા અનંતનાગ માટે ઇસ્લામાબાદ અને શંકરાચાર્ય હિલને સ્થાને સુલેમાન હિલ બોલી ગયો હતો. જિનપિંગના નામનો ખોટો ઉચ્ચાર કરનાર ન્યૂઝ એન્કરની તાત્કાલિક ડીડીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.
• ઈન્દોરમાં રાવણનું મંદિર બનશેઃ દશાનન રાવણ સમગ્ર વિશ્વમાં બ્રહ્મરાક્ષસ તરીકે ઓળખાય છે. પરંતુ ઇન્દોરના પરદેશીપુરામાં તેમની પૂજા થાય છે. એટલું જ નહીં અહીં લંકેશની ૧૦ ફૂટ ઊંચી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે મંદિર પણ બનશે. દેશભરમાં દશેરાએ રાવણનાં પૂતળાનું દહન કરાય છે ત્યારે પરદેશીપુરામાં ૪૦ વર્ષથી દશેરાએ લંકેશની પૂજા અર્ચના થાય છે. જય લંકેશ મિત્રમંડળના અધ્યક્ષ મહેશ ગૌહરે કહ્યું હતું કે, ‘અમે શહેરના પરદેશીપુરા વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવાનું કામ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૦થી શરૂ કર્યું હતું. અત્યારે મંદિરનું ૮૦ ટકા નિર્માણકાર્ય પૂરું થયું છે, જો બધું બરાબર પાર પડશે તો ૨૦૧૫માં દશેરા પહેલા મંદિરમાં રાવણની ૧૦ ફૂટી ઊંચી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરાશે.