ચૂંટણીના ઓપિનિયન પોલમાં નીતિશકુમાર મોખરે

Monday 27th July 2015 09:24 EDT
 

નવી દિલ્હીઃ આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ માટે ત્યાં ફરીથી ઓપિનિયન પોલ અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં વિવિધ કંપનીઓ દ્વારા થયેલા ઓપિનિયન પોલ જણાવે છે કે, બિહારની જનતા ફરીથી નીતિશકુમારને સત્તા સોંપશે. એબીપી નિલસન દ્વારા તાજેતરમાં રાજ્યની ૭૩ બેઠકો પર ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. જેના તારણ મુજબ જો અત્યારે ચૂંટણી થાય તો નીતિશકુમારના ત્રીજા મોરચાને ૧૨૯ બેઠકો મળે. બીજી તરફ ભાજપ અને તેના સહયોગી પક્ષોને ૧૧૨ જેટલી બેઠકો મળે અને અન્ય પક્ષો અને બાકીના તમામ ઉમેદવારોના ફાળે માત્ર બે જ બેઠકો આવે. લોકપ્રિયતાની બાબતે બિહારવાસીઓની પ્રથમ પસંદ નીતિશકુમાર છે. બીજી તરફ લોકો એવું પણ માને છે કે પપ્પુ યાદવ અને પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીથી દૂર રહેવાના કારણે ભાજપને ફાયદો થશે.

યાકુબને ફાંસી નહીં આપવા ૩૦૦ મહાનુભાવોની રાષ્ટ્રપતિને અરજઃ મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસના દોષિત યાકુબને ફાંસી આપવાનો મુદ્દો હવે મોટું સ્વરૂપ લઇ રહ્યો છે. યાકુબને ફાંસી નહીં આપવા ૩૦૦ જેટલા જાણીતા લોકોએ રાષ્ટ્રપતિને અરજ કરી છે, જેમાં કેટલાક સાંસદો, રિટાયર્ડ જજ અને રાજકારણીઓ અને ફિલ્મી હસ્તીઓ સામેલ છે. આ અપીલ કરનારાઓમાં મોટાભાગના ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખવામાં જાણીતા વકીલ રામ જેઠમલાણી, રાજકારણી સીતારામ યેચુરી, પ્રકાશ કરાત, વૃંદા કરાતનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે યાકુબને જ્યારે ભાજપ સરકાર ફાંસી આપવાની છે ત્યારે ભાજપના જ નેતા-અભિનેતા શત્રુઘ્ન સિંહાએ તેને ફાંસી નહીં આપવાની અપીલ કરી છે. બોલિવૂડની અન્ય હસ્તીઓમાં નસિરૂદ્દીન શાહ, મહેશ ભટ્ટ, અનુપમ ખેરનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતમાં દુષ્કાળની સ્થિતિઃ દેશમાં અત્યારે ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉતર ભારતના કેટલાક રાજ્યોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારો ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં ભૂ-સ્ખલન અને વાદળો ફાટવાથી અનેક લોકોના બેહાલ બન્યા છે. વધુ વરસાદને કારણે કૈલાસ માનસરોવર યાત્રાને પણ અસર થઇ છે. પરંતુ દક્ષિણના રાજ્યોમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter