નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષના કંગાળ દેખાવ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે તે હારના કારણોનું આત્મમંથન કરશે અને લોકોની સેવા માટે ‘વધુ ઉત્સાહ’થી કામ કરશે. જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પક્ષા જયાં સુધી લોકોનો વિશ્વાસ નહિ જીતે ત્યાં સુધી અથાગ પરિશ્રમ કરશે.
વિધાનસભામાં ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા પક્ષોના નેતાઓને શુભેચ્છા પાઠવતાં સોનિયયા ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે ગુડ ગવર્નન્સ અને વિકાસ એ જ રાજકીય ઉપદેશનો ભાગ હોવો જોઇએ. ઉલ્લેખનીય છે કે ગુરુવારે જાહેર પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ માત્ર કેરળમાં સત્તા મેળવી છે.
પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કહ્યું હતું કે પક્ષ જયાં સુધી પ્રજાજનોનો વિશ્વાસ નહિ જીતે ત્યાં સુધી અથાગ પરિશ્રમ કરશે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરળના લોકોએ આપેલા ચુકાદાને વિનમ્રતાથી સ્વીકારે છે. હું આપણી લોકશાહીની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં ભાગ લેનાર તમામ મતદારોનો તેમજ અમારા પ્રચાર માટે અથાગ મહેનત કરનાર કાર્યકર્તાઓ અને નેતાઓનો આભાર વ્યક્ત કરું છું.’
રાહુલે ઉમેર્યું હતું કે, ‘અમે લોકોના ચુકાદાને વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. જે પક્ષો ચૂંટણી જીતી છે તેમને મારી શુભકામનાઓ છે. આ ચૂંટણી દરમિયાન પ્રયાસો કરવા બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમજ અમારા સહયોગી પક્ષોનો આભાર પણ વ્યક્ત કરું છું.’
આત્મમંથન નહીં, સર્જરી કરો: દિગ્વિજય
પાંચ રાજ્યોમાં કોંગ્રેસના કંગાળ દેખાવથી પક્ષની નેતાગીરી પર સવાલો ઊઠવા લાગ્યા છે. શશી થરુર અને જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસને મોટી સર્જરીની જરૂર છે, પરિણામ હતાશાજનક છે, પરંતુ ચોંકાવનારાં નથી. અમે ઘણી સમીક્ષા કરી છે, પરંતુ હવે મોટી સર્જરીની જરૂરિયાત છે.
આ પૂર્વે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ ચૂંટણીમાં પરાજય અંગે આત્મમંથન કરશે. દિગ્ગીરાજાએ પક્ષના ટોચના નેતૃત્વ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને આત્મમંથન નહીં, મોટી સર્જરીની જરૂર છે. સિંધિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના અંગે વિચારવાની જરૂર છે. શશી થરુરે કહ્યું હતું કે, આત્મમંથન ભૂલી જાવ, બહુ થયું હવે, ગંભીર પગલાં લેવાનો સમય આવી ગયો છે.