નવી દિલ્હી: દેશમાં યોજાયેલા ચોથા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ વધારે ગરમાઈ ગયું છે. દેશની 96 બેઠકો ઉપર મતદાન થયું છે જેમાં આંધ્ર પ્રદેશની તમામ 25 બેઠકો જ્યારે તેલંગણાની પણ તમામ 17 બેઠકો ઉપર મતદાન થયું છે. આ સિવાય વિવિધ રાજ્યોની છૂટીછવાઈ બેઠક ઉપર મતદાન થયું છે. આ તબક્કો તમામ પક્ષો માટે મહત્ત્વનો છે. ગત લોકસભાની ચૂંટણીમાં સત્તામાં આવનાર ભાજપ માટે પણ આ ચૂંટણી મહત્ત્વની છે તો ગત લોકસભામાં વિપક્ષના દરજ્જાથી વંચિત રહેલી કોંગ્રેસ માટે પણ મહત્ત્વની છે.
ગત લોકસભાની સરખામણી કરીએ તો આ 96 બેઠકોમાંથી ભાજપના ફાળે 42 બેઠકો આવી હતી. બીજી તરફ આંધ્રની કુલ 25માંથી 22 બેઠકો તો વાયએસઆર જ જીતી ગયું હતું. ટીઆરએસના ફાળે 9 બેઠકો આવી હતી. ટીએમસીને 4 બેઠકો મળી હતી. શિવસેના અને બીજેડીને 2-2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ઔવેશીના પક્ષને પણ બે જ બેઠકો મળી હતી.
ચોથા તબક્કાની 96માંથી એનડીએને 47, યુપીએને 11 જ્યારે કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી હતી આ સંજોગોમાં કોંગ્રેસને જીવતદાન મેળવવા જ્યારે ભાજપને શાખ બચાવવા અને વધારે બેઠકો જીતવા માટે આ તબક્કો પણ જીતવો એટલો જ જરૂરી છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66 ટકા મતદાન
લોકસભા ચૂંટણીનાં ચોથા તબક્કામાં સોમવારે નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 96 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પ્રારંભિક આંકડા મુજબ આ બેઠકો પર સરેરાશ 62.31 ટકા મતદાન થયું છે. જોકે મતદાનની ટકાવારી વધે તેવી પૂરેપૂરી શકયતા છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66 ટકા જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.75 ટકા મતદાન નોંધાયું હતું. આંધ્ર પ્રદેશમાં 175 અને ઓડિશાની પહેલા તબક્કાની 28 વિધાનસભા સીટ પર અનુક્રમે સરેરાશ 67.99 ટકા અને 62.96 ટકા મતદાન થયું હતું. હૈદરાબાદમાં ભાજપનાં ઉમેદવાર માધવી લતા દ્વારા કેટલીક મહિલા મતદારોનાં બુરખા હટાવીને વોટર આઇડી સાથે મતદારોનાં ચહેરા મિલાવવામાં આવતા હોબાળો મચ્યો હતો અને આ મુદ્દે પોલીસ ફરિયાદ થઇ છે.
મતદાર-ધારાસભ્ય વચ્ચે મારામારી
આધ્રનાં ગુન્ટુરમાં વાયએસઆર કોંગ્રેસનાં ધારાસભ્ય અન્નાબાથુની શિવકુમારે એક બૂથ પર મતદારને કોઈ કારણોસર થપ્પડ મારી હતી. આ પછી મતદારે પણ વળતી થપ્પડ મારતા મામલો બિચક્યો હતો. આ પછી વિધાનસભ્યના ટેકેદારોએ મતદારને મારપીટ કરી હતી. મતદારે ધારાસભ્યને લાઈનમાં ઊભા રહેવા ટકોર કરતાં આ ઝઘડો થયાનું મનાય છે. એક અન્ય ઘટનામાં આંધ્રમાં જ ઝહિરાબાદ ખાતે કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ શેતકરનાં ભાઈ નાગેશ શેતકરે એક મતદારને લાત માર્યાની ઘટના બની હતી.
ત્રીજા તબક્કામાં 65.68ટકા મતદાન
દેશભરમાં સાતમી મેના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 65.68 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે મતદાનના ચોથા દિવસે શનિવારે સુધારા સાથે આ આંકડા જાહેર કર્યા હતા. કમિશનના જણાવ્યા અનુસાર, 65.68 ટકા મતદારોમાંથી 66.89 ટકા પુરુષો, 64.41 ટકા મહિલાઓ અને 25.2 ટકા ત્રીજા લિંગના મતદારો હતા. જો રાજ્યવાર મતદાનની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં આસામની જીત થઈ હતી.
શ્રીનગરમાં 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
નવી દિલ્હી તા.12– કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ રહેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત મતદાને 28 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનગર સીટ પર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી 36.01 ટકા મતદાન થયું હતું. અહીં કુલ 17.48 લાખ મતદારો છે અને 24 ઉમેદવારો મેદાનમાં હતા. અગાઉ 2019 14.1 ટકા, 2014માં 25.9 ટકા અને 1996માં 40.94 ટકા મતદાન થયું હતું. ભાજપે પહેલીવાર અહીંથી કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી.