અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સેન્સેક્સ રેકોર્ડ હાઈથી માત્ર 300 પોઈન્ટ દૂર છે અને ભારતીય શેરબજાર પાંચ લાખ કરોડ ડોલરને સ્પર્શ કરવાની આરે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે, ચૂંટણી બાદ શેરબજાર એવી ઊંચાઈ પર જશે કે જેનાથી રોકાણકારો સોદા અને કમાણી કરીને થાકી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાર જૂન પછીના એક સપ્તાહમાં તમે જોશો કે, સ્ટોકમાર્કેટ નવા રેકોર્ડ બનાવશે અને રોકાણકારો શેરબજારમાં કમાણી અને સોદા કરીને થાકી જશે. સેન્સેક્સ જ્યારે 25,000 પોઈન્ટ હતો ત્યાંથી અમે અમારી સફરની શરૂઆત કરી હતી અને હવે શેરબજાર 75,000ના આંક પર પહોંચ્યો છે. આ વધારાએ વિશ્વમાં આપણું ગૌરવ વધાર્યું છે. શેરબજારની તેજીથી પ્રેરાઈને વધુથી વધુ લોકો સ્ટોકમાર્કેટમાં રોકાણ કરવા તરફ આકર્ષિત થશે, અર્થતંત્રની મજબૂતીમાં અસાધારણ વધારો થશે. હું ઈચ્છું છું કે, નાગરિકોની રોકાણ જોખમ લેવાની ક્ષમતામાં વધારો થાય.
જાહેર ક્ષેત્રોના શેરોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ (એચએએલ)ને જુઓ. જેણે તારાઓને સ્પર્શ કરવા જેવી દોડ લગાવી છે, એચએએલના શેરની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે, જેણે મોટા પ્રમાણમાં નફો કમાવી આપ્યો છે. નોંધનીય છે કે, 16 મે 2014ના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારે સેન્સેક્સએ 25,000 પોઈન્ટની સપાટી કૂદાવી નવો ઈતિહાસ રચ્યો હતો. ત્યારથી રોકાણકારોની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે અને હાલ દેશમાં જારી લોકસભાની ચૂંટણી શરૂ થતાં પહેલા શેરબજારે 75,124 પોઈન્ટનો નવો વિક્રમ સર્જયો હતો.