નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે શનિવારે આઠ રાજ્યોની 58 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 84.59 ટકા મતદાન યોજાયું હતું જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 52.28 ટકા મતદાન થયું હતું. છઠ્ઠો તબક્કો પૂરો થવાની સાથે જ કુલ 543 લોકસભા બેઠકો પૈકી 487 બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. હવે પહેલી જૂને છેલ્લા સાતમાં તબક્કામાં મતદાન થશે.
દેશનાં 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 58 બેઠકો માટે મતદારોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીમાં તમામ 7 બેઠકો ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહારમાં 8 અને પશ્ચિમ બંગાળમાં 8, ઓડિશામાં 6, ઝારખંડમાં 4 તેમજ જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ બેઠક માટે મતદાન યોજાયું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ભાજપ નેતા મનોજ તિવારી, હરિયાણાનાં મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગાંધી પરિવારનાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કેટલાક મહાનુભાવોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંગાળમાં ચૂંટણી પહેલા થયેલી હિંસામાં ટીએમસી કાર્યકરનું મોત થયું હતું. પૂર્વ મિદનાપોરમાં ટીએમસીનાં કાર્યકરની હત્યા કરાઇ હતી.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 84.59 ટકા જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 52.28 ટકા મતદાન થયું હતું. બિહારમાં 53.63 ટકા, હરિયાણામાં 58.54 ટકા, ઝારખંડમાં 63.20 ટકા, ઓડિશામાં 60.07 ટકા, દિલ્હીમાં 55.16 ટકા અને ઉત્તર પ્રદેશમાં 54.03 ટકા મતદાન થયું હતું.