કોલકાતાની કોર્ટે રવિવારે અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. છેતરપિંડીને લઇને 2018માં દાખલ એક કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે. જોકે અભિનેત્રીએ આ કેસમાં જામીન અરજી પણ કરી નહોતી કે તે કોર્ટમાં પણ હાજર રહી ન હોવાથી તેની સામે આ વોરંટ જાહેર કરાયું છે. વોરંટ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે મને આ અંગે કોઇ જ જાણકારી નથી. મને આ વોરંટ અને આરોપોથી આશ્ચર્ય થયું છે, હાલ હું મારા વકીલના સંપર્કમાં છું. મને એક વખત સ્પષ્ટતા થઇ જાય તે બાદ હું વધુ જાણકારી આપી શકીશ. કેસ એવો છે કે 2018માં ઝરીન ખાન એક દૂર્ગા પૂજામાં પર્ફોર્મ કરવાની હતી, જોકે આયોજકો તેની રાહ જોતા રહ્યા પણ ઝરીન ખાન નહોતી આવી. પોલીસના જણાવ્યા અનુસાર ઝરીન ખાન અને તેના મેનેજર સામે આયોજકો દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. બન્નેને પૂછપરછ માટે બોલાવાયા હતા. જોકે તેઓ હાજર નહોતા રહ્યા, અંતે આ મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવાઇ છે. ઝરીન ખાને ઇવેન્ટમાં હાજર ન રહેવાનું કારણ આપતા કહ્યું હતું કે મને આયોજકોએ જણાવ્યું હતું કે બંગાળના મુખ્યમંત્રી સહિતના અનેક પ્રખ્યાત લોકો આવવાના છે, જોકે બાદમાં મને જાણવા મળ્યું હતું કે આ બહુ જ નાની ઇવેન્ટ હતી. આથી મેં જવાનું ટાળ્યું હતું. જોકે આ મામલે ઝરીન ખાનના મેનેજરે જામીન લઇ લીધા છે અને કોર્ટમાં તે હાજર પણ રહ્યા હતા જ્યારે ઝરીન ખાન હાજર ન રહેતા અંતે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.