નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના બાલીમાં પકડાયેલા માફિયા ડોન છોટા રાજનને ભારત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. ઈન્ડોનેશિયાના ભારતીય રાજદૂત ગુરજીતસિંહે આ મામલે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણસંધિ અને કાયદાકીય સહકાર અંગે સમજૂતી થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરથી શરૂ થતી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની ઈન્ડોનેશિયા મુલાકાત દરમિયાન દસ્તાવેજોની આપ-લે કરાશે. રાજનને ભારત પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, પરંતુ તે માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાઈ નથી.
રાજન સામે મુંબઈમાં ૭૫ જેટલા ગંભીર ગુના નોંધાયા છે અને તે છેલ્લાં ૨૦ વર્ષથી વોન્ટેડ છે એમ છતાં ભારત લાવ્યા બાદ તેની પહેલી કસ્ટડી દિલ્હી પોલીસ લે એવી શકયતાઓ છે અને ત્યારબાદ જ તેની કસ્ટડી મુંબઈ પોલીસને મળશે. ઈન્ડોનેશિયાના બાલીમાં તે બનાવટી પાસપોર્ટના કેસમાં પકડાયો હોવાથી પહેલા તેની સામે એ કેસ નોંધાશે અને તેની તપાસ દિલ્હી પોલીસ કરશે.