છ પક્ષોનો જનતા પરિવાર માત્ર કાગળ પર રહેશે તેવું માનવામાં આવે છે. ભાજપને વધુ મજબૂત બનતો અટકાવવા માટે મુલાયમ, લાલુ અને નીતિશના પ્રયાસો અત્યારે સાચી દિશામાં જતા હોય તેમ લાગતા નથી. જનતાદળ (યુ) અને આરજેડી આ વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સાથે મળીને લડે તેવી શક્યતા નહીંવત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ટેકનિકલ મુદ્દાઓને કારણે પરિવારમાં છ પક્ષોનું વિલીનીકરણ ત્યાં સુધી પૂર્ણ થાય તેમ નથી. તેને કારણે એક જ પ્રતીક પર ચૂંટણી લડી શકાય તેમ નથી.’ તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે જનતાના ઘટક પક્ષો બિહારની ચૂંટણીમાં પહેલાં એક થાય તેમ દેખાતું નથી.
ગંગાની સ્વચ્છતા માટે વધુ રૂ. ૨૦ હજાર કરોડની ફાળવણીઃ ગંગા નદીને સ્વચ્છ બનાવવા અને તેના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે બીજા રૂ. ૨૦ હજાર કરોડની ફાળવણી કરી છે, જે આગામી પાંચ વર્ષમાં ખર્ચાશે. ગયા વર્ષે સરકારે શરૂ કરેલા ‘નમામી ગંગા’ પ્રોજેક્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.