શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યાને ચાર વર્ષ પૂરાં થઇ ગયાં છે ત્યારે અર્થતંત્ર પર એક નજર ફેરવતાં જણાય છે કે રાજ્યમાં મૂડીરોકાણ માટે હોડ જામી છે. કલમ 370ની નાબૂદી બાદ રાજ્યમાં કેવું પરિવર્તન આવ્યું, રોકાણ અને રોજગારની શી સ્થિતિ છે, સામાજિક-રાજકીય રીતે કેટલો ફેરફાર થયો તેની આર્થિક વિકાસમાં જોવા મળે છે.
શ્રીનગરના સેમ્પોરા ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટમાં ખીણનું પ્રથમ વિદેશી રોકાણ આવ્યું હતું. બુર્જ ખલીફા વેચનારી એમ્માર કંપનીએ ગયા વર્ષે 19 માર્ચે 10 લાખ ચોરસફૂટની જમીન પર 500 કરોડના ખર્ચે શ્રીનગર મોલ અને આઇટી પાર્ક બનાવવા માટે ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટની ડેડલાઇન વર્ષ 2026 છે. આનાથી 13,500 લોકોને નોકરી મળશે તેવો અંદાજ છે. આ સ્થળ નજીક જ હોસ્પિટલ બનાવવા માટે કાશ્મીરી મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ 60 કનાલ (વીઘાનો ચોથો ભાગ) જમીન લીધી છે.
આ વિસ્તારને મેડિસિટી બનાવવાની જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રની ઇચ્છા છે. બિહારના મધુબનીના મિલી ટ્રસ્ટે 3 મહિના પહેલાં 1000 બેડની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું કામ શરૂ કર્યું છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ત્રણ વર્ષમાં અહીં ઓપીડી શરૂ કરવાના અમારા પ્રયાસો છે. સમગ્ર કામ પૂરું થવામાં 10 વર્ષ થઈ શકે છે.
જોકે માળખાગત સુવિધાનો અભાવ
રાજ્યમાં પ્રોજેક્ટ તો ઘણા આવ્યા છે, પણ કેટલાયનું કામ શરૂ થયું નથી. તો શું સુરક્ષા વ્યવસ્થાને કારણે રોકાણકારો અહીં કામ શરૂ કરતા નથી? આ અંગે ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે 3,350 કનાલ જમીન ફાળવાઈ છે. તેમાંથી 1,700 કનાલ ડેવલપ છે. બાકીની અવિકસિત કે અર્ધ વિકસિત જમીન છે. ક્યાંય રસ્તા-વીજળી નથી તો ક્યાંક પાણી નથી. મિલી ટ્રસ્ટની જ વાત કરીએ તો તંત્રે તેમને જમીન વિકસિત કરીને આપી નથી. ટ્રસ્ટ જનરેટરથી કામ ચલાવે છે. પાયાની સુવિધાઓ ન મળવાને કારણે રોકાણકારો ખચકાય છે. તંત્રના આંકડા દર્શાવે છે કે નવી ઉદ્યોગનીતિ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં 1,853 લોકોને જમીન ફાળવાઈ ગઈ છે. તેમણે 26,650 કરોડ રૂપિયાના રોકાણની પ્રપોઝલ આપી છે. તેમાંથી 188 બહારના અને 1665 સ્થાનિક છે. બહારના 188 લોકોએ 14,801 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે.
બહારનું રોકાણ આવે તો લાભ...
ખોનમોહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્રમુખ ઇમરાન મુર્તુઝા કહે છે કે અહીં ડેવલપમેન્ટનો કોઈ વિરોધ નથી. સરકારે જ્યારે કહ્યું કે બહારથી રોકાણ આવશે તો અમને ઘણી આશાઓ હતી. બહારથી આવતા રોકાણને ‘મલ્ટિપ્લાયર એન્ડ એક્સીલેટર’ અસર કહે છે. અમને આશા હતી કે અમે આ કંપનીઓ માટે ઓએમ બની શકીશું. એટલે કે નાના-નાના પાર્ટ બનાવીશું પરંતુ આજ સુધી મેદાન પર એક પણ ફેક્ટરી દેખાતી નથી.
કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા બેગણી થશે
ઇન્ડસ્ટ્રીનાં સુત્રો કહે છે કે અત્યારે કોલ્ડ સ્ટોરેજની પ્રગતિ સારી છે. લાસીપોરાના કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા આગામી વર્ષ સુધી 3થી વધીને 6 લાખ મેટ્રિક ટન થઇ જશે. અહીં 150 કરોડમાં જિંદાલની ફેક્ટરી બની રહી છે. અહીં 300નોકરી ઊભી થશે.
સુત્રો જણાવે છે કે તમામ સ્થળે આ જ સ્થિતિ છે. જે થોડુંઘણું કામ ચાલી રહ્યું છે. તેને પુરું થવામાં જ 3-4 વર્ષ લાગી જશે, બિબનામાં પણ મેડિસિટી બનશે પરંતુ રસ્તો ન હોવાને કારણે જમીન વિકસિત થઇ શકતી નથી.