જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીની સંયુક્ત સરકાર રચાશે

Tuesday 24th February 2015 12:50 EST
 

 જમ્મુ અને કાશ્મીરમાં મુફતી મહોમ્મદ સઈદના નેતૃત્વમાં પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર ૧ માર્ચે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. બંને પક્ષો વચ્ચે સેનાને રાજ્યમાં વ્યાપક સત્તા આપતાં અફસ્પા અને બંધારણની ૩૭૦ કલમ મુદ્દે સહમતી સધાઈ છે. ગંઠબંધનની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે પીડીપીના વડાં મેહબૂબા મુફતી મંગળવારે ભાજપ પ્રમુખ અમિત શાહને મળ્યાં હતાં.

રાહુલ ગાંધી વેકેશન પર

 લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયથી આઘાતમાં સરી પડેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડાં સપ્તાહ માટે અજ્ઞાતવાસમાં જવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી સંસદનાં મહત્ત્વનાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે દેશના મહત્ત્વના રાજકીય પક્ષના ઉપાધ્યક્ષ દ્વારા સંસદીય કાર્યવાહીમાં ગેરહાજર રહેવાના નિર્ણયની ચારેકોરથી ટીકા થઇ છે. જો કે એવી પણ ચર્ચા છે કે કેટલાક વરિષ્ઠ કોંગ્રેસીઓથી નારાજ રાહુલ રજા પર ઊતરી બેંગકોક ગયા છે. રાહુલની રજાની અરજી મંજૂર કરતાં સોનિયાએ જણાવ્યું હતું કે રાહુલને કેટલાંક સપ્તાહનો સમય આપો. અત્યારે તેઓ થોડા દિવસની રજા પર ગયા છે. વેકેશન માણ્યા બાદ રાહુલ બધું કામ સંભાળી લેશે.

...પરંતુ મધર ટેરેસાની લાગણી ધર્માંતરણની હતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો ડો. મોહનરાવ ભાગવતે જણાવ્યું કે, દીનદુઃખિયાની સેવા નિઃસ્વાર્થભાવે કરવી જોઈએ. તેમણે મધર ટેરેસાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ટેરેસા દ્વારા સારી સેવા થઈ હતી પરંતુ તે સેવા પાછળ ક્યાંક ધર્માંતરણનો ભાવ રહેલો હતો.

અંબાણી પરિવારના જમાઇ શ્યામ કોઠારીનું નિધન

 રિલાયન્સના મુકેશ અને અનિલ અંબાણીના બનેવી ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારીનું ૫૩ વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે. શ્યામ કોઠારી તેમનાં પત્ની નીના અને એક પુત્ર-પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે. ચેન્નાઈના આ ઉદ્યોગપતિ શ્યામ કોઠારીના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. તેઓ ધીરુભાઈ અંબાણીની મોટી પુત્રી નીનાના પતિ હતા. તેઓ સારવાર માટે અમેરિકાના હ્યુસ્ટન ગયા હતા.

બિહારના મુખ્ય પ્રધાનપદે નીતિશકુમારના શપથ

 બિહાર વિધાસભામાં ૨૦ ફેબ્રુઆરીએ વિશ્વાસમત હાથ ધરાય તે પહેલાં જિતનરામ માંઝીએ નાટકીય રાજીનામું આપ્યા બાદ ગત રવિવારે જનતાદળ (યુ)ના શક્તિશાળી નેતા નીતિશકુમારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ નીતિશકુમારને ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૧૬ માર્ચ સુધીમાં વિશ્વાસ મત હાંસલ કરવા નિર્દેશ આપ્યો છે. ૧૭ મે ૨૦૧૪ના રોજ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપનાર નીતિશકુમાર ચોથીવાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter